ઊનાનાં દેલવાડા નજીક બે કાર ધડાકાભેર અથડાઈ હતી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/Bike-car-accident.jpg)
પ્રતિકાત્મક
દીવથી દારૂ પીને આવતા કારચાલકે અકસ્માત સર્જ્યો
ગીર સોમનાથ, ગુજરાતમાં દારૂબંધી હોવાથી મોટી સંખ્યામાં લોકો દીવ, દામણમાં દારૂ પીવાની મજા માણવા જતા હોય છે. પરંતુ દારૂના નશામાં તેઓ મોટી ભૂલ કરી બેસે છે. ઊનાનાં દેલવાડા નજીક બે કાર ધડાકાભેર અથડાતાં ૭ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
મોડી રાતના સમયે દીવથી નશો કરીને આવતાં કાર ચાલકે દીવ જતી કારને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ વાનમાં બેસાવીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમજ અકસ્માતે ભુક્કો બોલી ગયેલી કાર સાઈડને કરાવી હતી. તેમજ રોડ ઉપર પડેલાં કાચ દુર કરીને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઊના નજીક દેલવાડા રોડ પર આવેલ પેટ્રોલ પંપ નજીક મોડીરાત્રે બારેક વાગ્યાનાં સમયે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. જેથી બંને કારમાં સવાર ૮ જેટલી વ્યક્તિઓને નાની મોટી ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે ઊના પોલીસ તેમજ ઈમરજનસી એમ્બ્યુલન્સ ૧૦૮ ને જાણ કરતાં પી એસ આઈ જેબલીયા પોલીસનાં કાફલા સાથે ધટના સ્થળે દોડી આવ્યા હતા.
તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ અકસ્માતમાં ભાવનગરનાં તણસા ગામનાં પાંચ શખ્સો પોતાની કારમાં બેસી ફૂલ દારૂનાં નશામાં હતા. તેઓ દીવથી દારૂ પીને ભાવનગર તરફ જઈ રહ્યા હતા. નશાની હાલતમાં બેદરકારીપુર્વક પોતાની કાર ચલાવી તેઓએ અકસ્માત સર્જ્યો હતો.
ઊનાથી દીવ તરફ આવવા નીકળેલા પરિવારની ગાડી સાથે નશેડી કારચાલકે ગાડી ઠોકી હતી. તેથી દીવ તરફ જતી કાર સાથે ધડાકાભેર અથડાતા ૨૦ ફુટ જેટલી ધસડીને પાછળ ધકેલાઈ હતી.
દીવનાં પરિવારની કાર પણ તેનાં માલિક પાસે લોક કરાવીને બંને કારનાં ઈજાગ્રસ્ત લોકોને સારવારમાં ખસેડાયા હતા. આ બાબતે ઈજાગ્રસ્ત મહિલાની ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરી છે. પોલીસે દારૂની નશામાં કાર ચાલકે વાહન ચલાવી અકસ્માત સર્જાયો હોવા અંગે ફરીયાદ નોધવા તજવીજ હાથ ધરી છે.