વટામણ પાસેથી કફ સિરપની ૫૯૦ બોટલ સાથે બે પકડાયા
વડોદરા, અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે ધોળકા વટામણ હાઇવે પરથી નશાકારક કફ સિરપની ૫૯૦ બોટલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.
પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા આ જથ્થો તે વડોદરામાં આવેલા કફ સિરપના ગોડાઉન માલિક પાસેથી લાવ્યા હતા.
આ કફ સિરપ અમદાવાદ ગ્રામ્યમાં છૂટકમાં વેચાણ કરવાની પેરવીમાં હતા તે પહેલા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગ્રામ્ય એસઓજીના પીઆઈ એન.એચ.સવસેટાની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો વડોદરાથી નશાકારક કફ સિરપનો જથ્થો રિક્ષામાં લઈને અમદાવાદ ગ્રામ્ય તરફ આવવાના છે. જેને લઇને પોલીસે વટામણ પાસે વોચ ગોઠવી હતી. એક શંકાસ્પદ રિક્ષા મળી આવતા પોલીસે તે રિક્ષામાં તપાસ કરતા ત્રણ બોક્સ મળી આવ્યા હતા.
બોક્સમાં તપાસ કરતા ૫૯૦ જેટલી કફ સિરપની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ડ્રાઈવર શકીલ શેખ અને પ્રતીક પંચાલ (બંને રહે.વડોદરા)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા આ જથ્થો તે વડોદરા ખાતેના ઉત્તમ બિલ્ડિંગમાં ક ફ સિરપનું ગોડાઉન ધરાવનાર રાજુ પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ ગ્રામ્ય વિસ્તારમાં ભાગીદારીમાં છૂટકમાં વેચાણ કરવા આ જથ્થો લાવ્યા હતા, જેથી હવે પોલીસે વડોદરાના ગોડાઉન માલિક રાજુની શોધખોળ હાથ ધરી છે.