Western Times News

Gujarati News

CGSTના બે અધિકારી અને વચેટિયો રૂ. ૧.રપ લાખની લાંચ લેતાં ઝડપાયા

(એજન્સી)અમદાવાદ, સીજીએસટીના વધુ બે અધિકારી અમદાવાદમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે. સીજીએસટીના ઇન્સ્પેકટર અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સેન્ટ્રલ ટેક્ષનાં અધિકારીએ પેઢીના હિસાબમાં ક્ષતિ હોવાથી ૩૫ લાખ રૂપિયાના દંડની જોગવાઈ અંગે જણાવ્યું હતું. જે બાદ દંડ ઓછો કરવા માટે પેઢી પાસેથી ૧.૨૫ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે લાંચ વચેટિયા દ્વારા લેતા બંને અધિકારી અને વચેટિયો રંગે હાથ ઝડપાઇ ગયા છે.

આ અંગેની મળતી માહિતી મુજબ, ફરિયાદી અને તેમના ભાઈ સોના-ચાંદીની પેઢી ચલાવે છે. જે પેઢીના જુલાઇ, ૨૦૧૭થી માર્ચ, ૨૦૨૩ના નાંણાકીય વર્ષના હિસાબનું ઓડિટ હાથ ધરવા બાબતે સીજીએસટીના અધિકારી મોહમંદ રિઝવાન શેખે નોટિસ આપી હતી. ત્યારબાદ સીજીએસટીના ઇન્સ્પેકટર ફરિયાદીની પેઢી ખાતે સ્થળ વિઝિટ માટે ગયા હતા અને ઓડિટને લગતા જરૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવ્યા હતાં. જે કાગળો સાથે ફરિયાદી બંને અધિકારીને મળ્યા હતા.

સીજીએસટીના અધિકારીઓએ ફરિયાદીને તેમની પેઢીના વર્ષ ૨૦૧૯-૨૦ના હિસાબોમાં ક્ષતિ કાઢી દંડ પેટે રૂપિયા ૩૫ લાખ ચલણ સાથે ભરવા પાત્ર થાય છે, તેવું જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ ક્ષતિ અંગેની વિગતો પોતાને અને તેમના વકીલને મોકલી આપવા જણાવ્યું હતું.

જેમાં સીજીએસટીના અધિકારીઓએ કાગળીયા વેરિફાઇ કરી ફરિયાદીને ૨૭ હજાર રૂપિયાનું ચલણ ભરાવીને ૩૫ લાખ રૂપિયા દંડની જોગવાઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ દંડની રકમ ઓછી વસૂલવા માટે ૧,૨૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

આ અંગે ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ લાંચનાં છટકા દરમિયાન બંને અધિકારીના કહેવાથી તેમનો વચેટિયો ભૌમિક સોની નામનો વ્યક્તિ સી. જી. રોડ ઇસ્કોન આર્કેડ પાસે લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે બાદ એસીબીએ મોહમંદ રિઝવાન શેખ અને કુલદીપ કુશવાહની પણ ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.