બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવતિને બે કોન્સ્ટેબલે બચાવી
પ્રેમી યુગલના આપઘાત કેસની કાર્યવાહી વખતે જ મેસેજ મળ્યો ને કોન્સ્ટેબલ દોડી ગયા
ગાંધીનગર, દહેગામના બહીયલ શક્તિપુરા નર્મદા કેનાલમાં બારડોલી બારીયા ગામના સગીર વયના પ્રેમી પંખીડાની કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. એ બનાવના પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે મેસેજ મળ્યો હતો કે હનુમાન બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી છે. તેવી જાણ થતાની સાથે દહેગામના બહિયલ આઉટ પોસ્ટના કોન્સ્ટેબલ ત્યાં પહોંચી ગયા હતા અને યુવતીને બચાવી લઈ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.
બનાવની વિગત એવી છે કે દહેગામના બહીયલ પાસેની શક્તિપુરા નર્મદા કેનાલમાં યુગલની લાશ તરતી હોવાનો સંદેશો મળતાં બહીયલ આઉટ પોસ્ટમાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ કૌશિકભાઈ કેનાલ ઉપર દોડી ગયા હતા. જયાં સ્થાનિક તરવૈયાની મદદથી બંનેની લાશ બહાર કાઢી હતી. બંને જણા બારડોલી બારીયા ગામના રહેવાસી હોવાની વિગતો બહાર આવી હતી.
બનાવના પગલે બંનેના પરિવારજનો કેનાલે દોડી આવ્યા હતા. તે દરમિયાન પોલીસ બનાવનું પંચનામું કરી રહી હતી. તેજ વખતે નજીકના હનુમાન બ્રિજ પરથી એક યુવતિએ મોતની છલાંગ લગાવી હોવાનો સંદેશો મળ્યો હતો,
જેથી હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ કૌશિકભાઈ કાર્યવાહી પડતી મુકી હનુમાન બ્રિજ ગયા હતા જયાં એક યુવતી કેનાલમાં ડૂબતી નજરે પડતાં બંને પોલીસ જવાનોએ ગાડીમાંથી દોરડું લાવીને કેનાલમાં નાખ્યું હતું જે યુવતીએ પકડી લેતાં તેને કેનાલની બહાર ખેંચી લીધી હતી.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે હનુમાન બ્રિજ પરથી કેનાલમાં પડતું મુકનાર દહેગામના એક ગામની યુવતીને બહાર કાઢી પુછપરછ કરી હતી તે વખતે જાણવા મળ્યું હતું કે પરિવારે ઘરકામ બાબતે ઠપકો આપતાં લાગી આવવાથી તેણે કેનાલમાં પડતું મુકયું હતું.