અમદાવાદ, વડોદરા, આણંદ, બોટાદ, સુરતમાં ઠગાઈ કરનારા બે ઝડપાયા
તબીબ તરીકે ઓળખ આપીને નાણાં મેળવતા હતા-
આશ્રમોમાં દાન કરવાના બહાને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા બે શખ્સો ઝડપાયા
વઢવાણ, બગોદરા-અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા સહિત ગુજરાતભરમાં ડોકટરની ઓળખ આપી આશ્રમોમાં દાનકરવાનું કહી વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા વઢવાણના રહેવાસી બે આરોપીઓ પકડાયા હતા. પોલીસે ૪૪ હજારના મુદ્દામાલ કબજે કર્યો હતો.
તબીબ તરીકે ઓળખ આપીને જૈન દેરાસર અને અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કરવાનું કહીને વેપારીઓ પાસેથી નાણાં મેળવીને ઠગાઈ કરતા વઢવાણના બે શખસો વઢવાણમાં હોવાની ચોકકસ બાતમીના આધારે બગોદરાના પીએસઆઈ જી.કે. ચાવડા અને તેની ટીમે વઢવાણના અનંતરાય મણિશંકર દવે અને ભક્તિરામ પુરુષોત્તમભાઈ સરવાડિયાને ઝડપી લીધા હતા.
પોલીસની પુછપરછમાં આ બંનેએ રાણપુર, હળવદ, વડોદરા શહેરમાં પ થી ૭, બરવાળા, અમદાવાદ શહેરમાં ચારથી પાંચ, આણંદ, વલભીપુર, બોટાદ, રાધનપુર, ખંભાત, પાટણ, કડી, કલોલ, સુરત, વલસાડ, નવસારી, પાદરા, સાવલી, ડભોઈ, વાઘોડિયા, જંબુસર સહિત ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના અનેક ગુનાઓ આચરેલા હોવાની કબુલાત કરી હતી.
આ બન્ને આરોપીઓ ડોકટર દિલીપભાઈ તથા ભરતભાઈ તરીકેની ઓળખાણ, જૈન દેરાસરમાં કે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં દાન કરવાનું કહી વેપારીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા હતા આરોપીઓ પાસેથી કુલ રૂા.૪૪,રર૮નો કરિયાણાનો માલસામાન કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.