અમદાવાદની બે હોસ્પિટલો ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને કેશલેસ સારવાર પૂરી પાડશે
અમદાવાદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓ, સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને ‘કેશલેસ‘ તબીબી સારવાર પૂરી પડાશે
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદની કે. ડી. હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ સાથે MoU કરવામાં આવ્યા-ચૂંટણીની જાહેરાતથી લઈને ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન કેશલેસ સારવાર મળવાપાત્ર
અમદાવાદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓ, સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને ‘કેશલેસ’ તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદની કે. ડી. હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ સાથે આ માટે MoU કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી સમયમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા યોજાનાર તમામ ચૂંટણીઓ અન્વયે ચૂંટણી ફરજો દરમિયાન હિંસક કૃત્ય/અકસ્માતના લીધે ઇજા પામેલ કે આકસ્મિક બીમાર થયેલ ચૂંટણી કાર્યમાં રોકાયેલ મુલ્કી કર્મચારીઓ/અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ/અધિકારીઓ, કેન્દ્રીય/અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ચૂંટણી ફરજ પરના તમામ ખાનગી સ્ટાફને (રીક્વિઝિટ કરેલ ખાનગી વાહનના ડ્રાઈવર/ક્લીનર અને ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના ખાનગી વિડિયોગ્રાફર સહિત તમામ) ‘કેશલેસ’ તબીબી સારવાર મળી રહે તે બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત ચૂંટણીની જાહેરાતથી લઈને ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન ફરજરત દરેક કર્મચારીને કેશલેસ સારવાર મળવાપાત્ર થશે. આ ઠરાવ અનુસાર ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા તમામ સ્ટાફને રાજય સરકારની જિલ્લા/તાલુકા કક્ષાએ આવેલ હોસ્પિટલો, મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે. આ અંગે બહારની દવાઓ/ઇમ્પ્લાન્ટ્સનો ખર્ચ હોસ્પિટલના કન્ટીજન્સી ખર્ચમાંથી કરવામાં આવશે.
ઈજાગ્રસ્ત/આકસ્મિક બીમાર થયેલ ચૂંટણી ફરજ પરની વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજના હેઠળ empanelled કરાયેલ હોસ્પિટલો ખાતે કેશલેસ સારવાર મળવાપાત્ર રહેશે.
ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ સ્ટાફને રાજય સરકારની ત્રણ અનુદાનિત હોસ્પિટલો યુ. એન. મહેતા ઇન્સ્ટિટયૂટ, એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલ અને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે તથા તેનો સંભવિત ખર્ચ સરકારશ્રી દ્વારા અનુદાનથી રી- એમ્બર્સ કરવામાં આવશે.
આ ઠરાવ અનુસાર અમદાવાદ જિલ્લામાં ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ/અધિકારીઓ, સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને ‘કેશલેસ’ તબીબી સારવાર પૂરી પાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કે. ડી. હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ સાથે સારવાર પૂરી પાડવા માટે MOU કરવામાં આવ્યા છે.