વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરાઈ બોર્ડની પરીક્ષામાં અત્યંત મદદરૂપ એવી બે નવીન ડિજિટલ પહેલ
જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા બોર્ડ પરીક્ષા માટે ડિજિટલ ટેક્નોલોજીનો સાર્થક ઉપયોગ
પરીક્ષા કેન્દ્રોનો ‘ડિજિટલ રોડ મેપ‘ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોચાડશે
‘અમૂલ્ય એક કલાક તજજ્ઞની ટિપ્સ સાથે‘ના શીર્ષક હેઠળ પ્રશ્નપત્રના આગલા દિવસે વિષય નિષ્ણાત શિક્ષકોના વિડિયો કરાવશે સરળ રિવિઝન
બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રિવિઝન મળી રહે અને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં અગવડ ન પડે એવો પ્રયાસ આ બે ડિજિટલ પહેલ થકી કરાયો છે :- સુશ્રી કૃપા ઝા, જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય
આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
આજના ડિજિટલ યુગમાં દરેક ક્ષેત્રે ડિજિટલાઈઝેશનની બોલબાલા છે ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આગામી બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને ખરાં અર્થમાં મદદરૂપ થાય એવા એક નહિ પણ બે-બે નવીન પહેલ અમલમાં મૂકવામાં આવી છે.
ડિજિટલ પહેલ – 1
ગુજરાત માધ્યમિક -ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માર્ચ 2024 ધોરણ-10 અને 12ની પરીક્ષા અંતર્ગત અમદાવાદ ગ્રામ્યના તમામ વિધાર્થીઓ-વાલીઓ સરળતાથી પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે એ માટે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કુલ 261 પરીક્ષા કેન્દ્રોના ડિજિટલ રોડ મેપની લિંક્સની એક કોમન PDF બનાવીને તમામ શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે.
જિલ્લાનાં તમામ 9 તાલુકાઓના તમામ પરીક્ષા કેન્દ્રોના ગૂગલ લોકેશનની લિંક સહિત પરીક્ષા કેન્દ્ર નંબર, બિલ્ડિંગ નંબર, પરીક્ષા સ્થળનું નામ, સ્થળ સંચાલકનું નામ અને તેમના મોબાઈલ નંબર પણ આ PDF માં પરીક્ષા કેન્દ્ર અનુસાર દર્શાવવામાં આવ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા તમામ શાળાઓને તેમના વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ PDF પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે.
આમ, અમદાવાદ ગ્રામ્યના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક *’કંપ્લિટ એક્ઝામ લોકેશન ગાઈડ’* રજૂ કરીને જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા એક પ્રસંશનીય અને ઉપયોગી પહેલ હાથ ધરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ખૂબ જ મદદરૂપ થશે. ભૂતકાળમાં કેટલાક રિમોટ લોકેશન પર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં મુશ્કેલીઓ અનુભવાઈ હોવાના કિસ્સાઓ બનતા હતા, આ નવીન પહેલ થકી હવે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર શોધવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
ડિજિટલ પહેલ – 2
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી અને અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને બીજો એક નવીન ઉપક્રમ રજૂ ધરવામાં આવ્યો છે. મિશન સિદ્ધત્વ અંતર્ગત ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે ‘અમૂલ્ય એક કલાક તજજ્ઞની ટિપ્સ સાથે’ શીર્ષક હેઠળ જે તે પ્રશ્નપત્રના આગલા દિવસે સરળ રીતે રિવિઝન થાય તે માટે ખાસ વિડિયો તૈયાર કરવામાં આવ્યા છે.
આ વિડિયોની લિંક જે તે વિષયના પેપરના અગાઉના દિવસે વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે, વિદ્યાર્થીઓ આ લિંક પર ક્લિક કરીને પરીક્ષાના આગલા દિવસે જે તે વિષયના નિષ્ણાત શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. ખાસ કરીને એવરેજ વિદ્યાર્થીઓને આ સુવિધાથી સીધો લાભ પ્રાપ્ત થશે. પેપરના અગાઉના દિવસનું રિવિઝન વિદ્યાર્થીઓ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.
દૃશ્ય-શ્રાવ્ય માધ્યમના સુચારું ઉપયોગ દ્વારા વિષય નિષ્ણાત શિક્ષકો પોતાના બહોળા અનુભવના આધારે વિદ્યાર્થીઓને ટૂંકા સમયમાં વધુ પુનરાવર્તન સહિત વિષય અંગે ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો અને પેપર લખવામાં ઉપયોગી ટિપ્સ સહિતની માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડશે, જે વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ બંને નવીન ડિજિટલ ઉપક્રમો વિદ્યાર્થીઓ માટે સુલભ કરાવતા અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કૃપા ઝાએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને રિવિઝન અને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા બાબતે સૌથી વધુ મૂંઝવણ રહેતી હોય છે. આ બંને સમસ્યાઓનું સમાધાન લાવવાના ઉદ્દેશ સાથે ‘પરીક્ષા કેન્દ્રોના ડિજિટલ રોડ મેપ’ અને ‘અમૂલ્ય એક કલાક તજજ્ઞની ટિપ્સ સાથે’ એમ બે સુવિધાઓ અમે શરૂ કરી છે
અને અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓ સુધી આ અંગેની માહિતી પહોચાડવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના વિદ્યાર્થીઓ આ સુવિધાઓનો ઉપયોગ કરીને નિશ્ચિંતપણે હકારાત્મક અભિગમ સાથે બોર્ડની પરીક્ષાઓ આપે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.