Western Times News

Gujarati News

ગોંડલના પરિવારને ટ્રકે અડફેટે લેતાં બેના મોત, બે વ્યક્તિને ઇજા

રાજકોટ, રાજ્યમાં સતત વધી રહેલા હિટ એન્ડ રનના બનાવો વચ્ચે રાજકોટમાં ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતાં ૨ના મોત નીપજ્યા છે, જ્યારે બેને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ભાગી ગયો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે રાજકોટના કોરાટ ચોક નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ટ્રક ચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં જ્યોતિબેન મનોજભાઇ બાયનીયા (સાસુ) અને જાહ્નવીબેન બાવનીયા (પુત્રવધૂ)નું મોત નીપજ્યું છે, જ્યારે પિતા-પુત્રને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવાર રાજકોટમાં પ્રસંગમાં હાજરી આપી ગોંડલ જઇ રહ્યો હોવાનું માહિતી પ્રાપ્ત થઇ છે.

અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસ ગણતરીના કલાકોમાં જ ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે.

ટ્રક ચાલક નશાની હાલતમાં હતો કે પછી કોઇ ટેન્કિકલ ખામીના લીધે અકસ્માત સર્જાયો હતો તે દિશામાં પોલીસ તપાસ અને પૂછપરછ કરી રહી છે.

અકસ્માતના સ્વજનોએ પોલીસ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અમે રાજકોટમાં પ્રસંગ ગયા હતા, ત્યાંથી સાઢુભાઇના ત્યાં ગોંડલ જવા નીકળ્યા હતા, ત્યારે કોરાટ ચોક પાસે ટ્રાફિક હોવાથી સાઇડમાં ઉભા હતા, ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે બંનેને કચડી નાખ્યા હતા. હિટ એન્ડ રનની ઘટના હોવાછતાં શાપર પોલીસે હિટ એન્ડ રનની ફરિયાદ નોંધી નથી.

પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહી નોંધે તો અમે મૃતદેહ સ્વિકારીશું નહી અને આ અંગે પોલીસવડાને પણ રજૂઆત કરીશું. તેમછતાં કોઇ નિરાકરણ નહી આવે તો ઓફિસ બહાર જ ઉપવાસ પર ઉતરીશું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.