બાળ તસ્કરી ગેંગના બે સભ્યો દાહોદમાંથી ઝડપાયાઃ ત્રણ બાળકોને બચાવાયા
પૂછપરછમાં તેઓ બાળકો પાસે ભીખ મંગાવતા હોવાની સ્ફોટક કબુલાત
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ થી આંતરરાષ્ટ્રીય બાળ તસ્કરી ગેંગના એક મહિલા અને એક પુરુષને દાહોદ બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી દબોચી લઈ તેઓની સાથેના બે બાળકી અને એક બાળક મળી ત્રણ ભૂલકાઓનો કબજાે લઈ કરેલ પૂછપરછમાં
તેઓએ બાળકોને ઉઠાવી લાવી તે બાળકો પાસે ભીખ મંગાવતા હોવાની સ્ફોટક કબુલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. રાજસ્થાનની ભીલવાડા પોલીસે પણ આ બાળક તસ્કરી ગેંગના સભ્યો દ્વારા કરાતી બાળ તશ્કરી અંગેના સીસીટીવી ફૂટેજ જારી કર્યા હતા.
તે ફૂટેજ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ એન ગઢવીએ જાેયા હતા. ત્યારે બીજી તરફ ગઈકાલે એક ખાસ બાતમી દારે દાહોદમાં સ્ટેશન રોડ પર બાળ તશ્કરી ગેંગના બે સભ્યો ત્રણ નાના ભૂલકાઓ સાથે દાહોદ સ્ટેશન રોડ પર હોવાની ફૂટેજ સાથેની બાતમી આપતા પીઆઈ ગઢવીએ બંને ફૂટેજ ચકાસતા તે બંનેમાં બાળતસ્કરી ગેંગના સભ્યો તે જ હોવાનું જણાઈ આવતા
તેઓ પોતાના પોલીસ સ્ટાફના માણસોને સાથે લઈ દાહોદના સ્ટેશન રોડ પર દોડી ગયા હતા. અને સ્ટેશન રોડ પરથી અમદાવાદ જવા નીકળે તે પહેલા જ બંનેને ત્રણ બાળકો સાથે દબોચી લીધા હતા. અને પૂછપરછ માટે બંનેને અત્રેની કચેરીએ લાવ્યા હતા. અને પૂછપરછ કરી હતી.
પૂછપરછમાં તેઓએ પોતાના નામ નરેન્દ્રસિંહ માનસિંગ રાવત તેમજ ગીતા ઉર્ફે નસીમા હજીમા રહેમાન હોવાનું તેમજ તેઓ બંને રાજસ્થાનના શિખર જિલ્લાના રીંગસ ગામના હોવાનું અને બંને પતિ પત્ની તરીકે રહેતા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેઓની સાથેના ત્રણ બાળકો બાબતે પૂછતા તેઓએ નોર્થ ઈસ્ટ માંથી એક બાળકીની ઉઠાંતરી કરી હોવાનું જણાવ્યું હતું બીજા બાળકની અઢી વર્ષ પહેલા દિલ્હી ખાતેથી ઉઠાંતરી કરી હોવાનું જ્યારે ત્રીજી બાળકીની ગત તારીખ ૨૭ જુલાઈના રોજ રાજસ્થાનના ભીલવાડા ખાતે રેલ્વે સ્ટેશન પર બાળકીના માતા પિતાને ચિક્કાર દારૂ પીવડાવી બાળકીની ઉઠાંતરી કરી હોવાની
તેમજ આ બાળકો પાસે ભીખ મંગાવતા હોવાની સ્ફોટક કબુલાત કરતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે પકડેલા ત્રણેય બાળકોના માતા-પિતાની શોધખોળ આદરી છે. જેમાં ત્રણ પૈકી બે બાળકોના માતા પિતાની જાણકારી મળી જતા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે
તેમજ એક બાળકીનો અથવા નેપાળની હોવાની આશંકાએ પોલીસે આ મામલે તપાસનો દોર બંને દિશામાં લંબાવ્યો છે. હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા અને દાહોદ બી ડિવિઝન પોલીસના હાથે પકડાયેલ આ દંપત્તિ પાસેનું એક બાળક આ અગાઉ રતલામ ખાતે ઝડપાઈ જતા તેને રતલામ પોલીસ દ્વારા ચાઈલ્ડ વેલ્ફર ને સોંપવામાં આવ્યું હતું
તે વખતે આ ભેજાબાજ દંપત્તિએ તે બાળકના બનાવટી ડોક્યુમેન્ટ બનાવરાવી તે બનાવટી ડોક્યુમેન્ટના આધારે તે બાળકને છોડાવી લીધું હતું. પોલીસે પકડાયેલ બાળ તસ્કરી ગેંગની દંપત્તિને આ અગાઉ પણ આ બાળકોના બનાવી બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા છે કે નહીં ?
અને બનાવ્યા હોય તો કઈ જગ્યાએ કોને ત્યાં બનાવટી ડોક્યુમેન્ટ બનાવરાવ્યા છે ? તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. આ અગાઉ પણ આ દંપત્તિએ કેટલા બાળકોની આજ દિન સુધીમાં ઉઠાંતરી કરી અને તે બાળકો હાલ ક્યાં છે યા કોને વેચ્યા છે તે બાબતે પણ પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.