મહેસાણા જિલ્લામાં બીજા દિવસે પણ કોરોનાના વધુ બે કેસ: કુલ ત્રણ થયા

મહેસાણા, મહેસાણા જિલ્લામાં બુધવારે કડીના નાનીકડી વિસ્તારના આધેડનો કોરોના અંગેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે કડીના એક યુવક અને મહેસાણાની એક સગીરા મળીને વધુ બે કેસ નવા નોંધાતાં કુલ ત્રણ કેસ થયા છે.
કોરોના મહામારીએ ફરીથી માથું ઊંચકતાં મહેસાણા જિલ્લામાં પણ કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. બુધવારે પ્રથમ કેસ કડીના નાનીકડી વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષના પુરૂષનો આવ્યો હતો, જેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા છે ત્યારે ગુરુવારે વધુ બે કેસ નોંધાયા છે.
જેમાં મહેસાણા શહેરી વિસ્તારની એક ૧૬ વર્ષની સગારાને શરદી-તાવના લક્ષણો જણાતાં સારવારની સાથે તેણીએ ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. તો કડીના કલ્યાણપુરા રોડ પર રહેતા એક ૨૫ વર્ષના યુવકને પણ શરદી-તાવનાં લક્ષણો જોવા મળતાં તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબે કોરોનાનો ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને કોરોનાગ્રસ્ત હાલમાં હોમ આઈસોલેશનમાં છે.SS1MS