બાપુનગરમાંથી એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે પેડલર ઝડપાયા

અમદાવાદ, અમદાવાદમાં હવે બાપુનગર ડ્રગ્સનું હબ બની રહ્યું હોય તેવો ઘાટ થયો છે ત્યારે એસઓજીની ટીમે બાપુનગરમાંથી ૫૯.૭૦૦ ગ્રામ ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે પેડલરને ઝડપી લીધા હતા. તેઓ સ્થાનિક વિસ્તારમાં ડ્રગ્સ વેચવા માટે ફરી રહ્યા હતા. હવે આ લોકો ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તેની તપાસ ચાલી રહી છે.
ખુદ ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપી દ્વારા ડ્રગ્સ ઝડપી લેવાની કવાયત માટે હાકલ સાથે જ શહેર પોલીસ પણ ડ્રગ્સના મુદ્દે એક્ટિવ બની ગઇ છે.
એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, જુહાપુરા કેનાલ રોડ પર રહેતો નદીમ અન્સારી અને તેની પત્ની શેરબાનુ સાથે ડ્રગ્સનો ધંધો કરે છે. નદીમે ડ્રગ્સનો જથ્થો તેની પત્ની શેરબાનુ અને પોતાના સાગરિત અદનાન શેખને વેચવા માટે આપ્યો છે.
તેઓ આ ડ્રગ્સ લઇને બાપુનગરમાં વેચવા ફરી રહ્યા છે ત્યારે પોલીસે શેરબાનુ અને અદનાનને ૫૯.૭૦૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. પોલીસે હાલ શેરબાનુ ઉર્ફે સોનું મહંમદ નદીમ અન્સારી (રહે. આશ્વાદ વિલા, ફતેહવાડી, જુહાપુરા) તથા અદનાન ઉર્ફે બાબા આરીફભાઇ શેખ (રહે. સલમાન રો હાઉસ, ફતેહવાડી, જુહાપુરા)ની તપાસ આદરી છે.
જ્યારે શેરબાનુના પતિ નદીમ અન્સારીની શોધખોળ આદરવામાં આવી છે. હવે આ પેડલરો ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચતા હતા તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસ અને ગુનેગારો વચ્ચેની સાંઠ ગાંઠ ખુલ્લી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડ્રગ્સ પેડલરોને ઝડપી લેવાની કવાયત શરૂ કરવામાં આવી છે અને ગણતરીના દિવસોમાં જ ૧૪ કેસ કરીને સંખ્યાબંધ પેડલરોને ઝડપી લેવામાં આવ્યા છે.અમદાવાદ એરપોર્ટ પરથી પણ છેલ્લા મહિનામાં એકસો કરોડનો ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે. જેને પગલે હવે સ્થાનિક એજન્સીઓ પણ એલર્ટ બની ગઇ છે.SS1MS