ચરસના દોઢ લાખથી વધુના જથ્થા સાથે ઝાડેશ્વરના બે ઈસમો ઝડપાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે ઝાડેશ્વર ચોકડી ખાતે થી ગતરોજ ચરસના દોઢ લાખથી વધુના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કુલ ૩,૧૭,૮૫૦ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડેના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલની સુચના અને માર્ગદર્શન ના આધારે પી.આઈ એ.એ.ચૌધરીએ પોતાની ટીમ કાર્યરત કરતા પી.એસ.આઈ એ.વી.શિયાળીયામાં સ્ટાફને મળેલ બાતમીના આધારે ઝાડેશ્વર ચોકડી નજીક વોચમાં હતા.
તે દરમ્યાન મોટર બાઈક સાથે આવેલ બે ઈસમો ભાવેશ ઉર્ફે કાલુ રમેશ વસાવા રહે.વડવાળુ ફળીયુ, ઝાડેશ્વર તથા ભૌમિક ઉર્ફે એલીયન પરેશ શાહ રહે.અમીન ડેલો ઝાડેશ્વરને ગેરકાયદેસર ચરસનો કુલ જથ્થો ૧ કિલો ૩૯ ગ્રામની કિંમત રૂપિયા ૧,૫૫,૮૫૦ સાથે ઝડપી પાડયા હતા.પોલીસે તેઓ પાસે રહેલી યામાહા બાઈક નંબર જીજે ૧૬ ડીજે ૫૨૩૬ કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ તેમજ બે મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ અને ૨૧૨૦ રોકડા રૂપિયા મળી કુલ ૩,૧૭,૮૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બન્ને આરોપીઓ વિરૂધ્ધ હાલ ભરૂચ શહેર ‘સી’ ડીવીઝન પોલીસ મથક ખાતે ધી એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.