ભોલાવના નરાયણ એવન્યુના મંદિરમાં ચોરી કરનાર બે શખસો ઝડપાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા નરાયણ એવન્યુ સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભરૂચ શહેર તથા જીલ્લામાં તસ્કર ટોળકીઓ સક્રિય થઈ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે, ત્યારે ગત તા.૨ જી ડિસેમ્બરની રાત્રીના તસ્કરોએ ભોલાવ વિસ્તારમાં નારાયણ એવન્યુ સોસાયટીમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતું.જેમાં તસ્કરોએ આગળના દરવાજાનું લોક તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
જ્યાં મંદીરમાં રહેલી ૩ દાન પેટીઓ પૈકી ૨ દાન પેટીઓને તોડી અંદર રહેલી રોકડ રકમની ચોરી કરી હતી.જોકે મંદિરમાં અંદરની બાજુની એક દાનપેટીને તસ્કરો ઊંચકી રવાના થયા હતા.આ સમયે ૩ જેટલા તસ્કરો મંદીરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા.
જેની જાણ સ્થાનિકોને સવારે થતાં તેઓએ ભરૂચ સી’ ડીવીઝન પોલીસ મથકે રૂ.૭૦ હજાર જેટલી દાનની રકમ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથધરી છે.
જોકે આ ઘટનામાં પોલીસે બાતમીના આધારે શક્તિનાથ ગરનાળા પાસે આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા બે ઈસમોની તપાસ હાથધરી હતી.જેમાં આ બન્ને ઈસમો ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા.જેથી ગણતરીના કલાકોમાં પોલીસને મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જ્યારે અન્ય એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી લેવા કવાયત હાથધરી છે.