ગર્ભ પરીક્ષણ કરી આપતાં ક્લિનિકમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા

પાલડીમાં આવેલ ડૉ. પરાગ શાહ એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘બેટી બચાવો’ અભિયાન: લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટર તથા હોસ્પિટલો પર કરવામાં આવશે કાનૂની કાર્યવાહી
અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવિણા ડી કે તથા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા બાતમીના આધારે PC-PNDT એક્ટ, (Rule 13), સેક્શન 3(2) અંતર્ગત અમદાવાદ શહેરનાં પાલડી વિસ્તારમાં આવેલા ડૉ. પરાગ શાહ એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાલડીમાં આવેલી ડૉ. પરાગ શાહની એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં ડોક્ટર પરાગ શાહની ગેરહાજરીમાં બિનલાયકાત ધરાવતા ડોક્ટર દ્વારા સોનોગ્રાફીની પ્રેક્ટિસ કરાતી હતી તથા ગેરકાયદેસર રીતે લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરી આપવામાં આવતું હતું,
જેથી કરીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત ક્લિનિક ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. કલીનીકના બે સોનોગ્રાફી મશીન પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. શૈલેષભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે.
PC -PNDT એક્ટ અંતર્ગત ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાનૂની છે તથા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટર ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
અમદાવાદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં આ પ્રકારની કાર્યવાહીથી શહેરની અલગ અલગ જગ્યાએથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણમાં વપરાતા અલ્ટ્રા સાઉન્ડ મશીનો સીલ કરવામાં આવ્યા છે અને લિંગ આધારિત ગર્ભ પરીક્ષણો થતા અટકાવવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા PC-PNDT કાયદાનો કડકાયથી અમલ કરવામાં આવી રહ્યો છે જેથી આ પ્રકારની અયોગ્ય પ્રેક્ટિસ કરતાં ડોક્ટરની ઉપર કાર્યવાહી કરી ગેરકાયદેસર થતાં ગર્ભ પરીક્ષણ રોકીને સેક્સ રેશિયોમાં નોંધપાત્ર સુધારો થઈ શકે તે માટે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ સતત સક્રિય છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. શૈલેષભાઈ પરમારના કહેવા પ્રમાણે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ થતી રહેશે. PC-PNDT એક્ટ અંતર્ગત આ પ્રકારની કાર્યવાહીથી જિલ્લા આરોગ્ય વિભાગ ‘બેટી બચાવો’ અભિયાનમાં એક મોટો ભાગ ભજવી રહ્યું છે. ~ શ્રદ્ધા ટીકેશ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ