ડોકટર બનવાની લાલચમાં બે વિદ્યાર્થીઓએ 27 લાખ ગુમાવ્યા
નિકોલમાં ચાર ગઠિયાઓએ ૨ વિદ્યાર્થીઓ સાથે ૨૭.૧૮ લાખની છેતરપીંડી કરી -MBBSનો અભ્યાસ કરવા ફિલીપાઈન્સ ગયા હતા જ્યાં પહોંચ્યા પછી તેમને ખબર પડી કે તેમનો કોર્ષ ભારતમાં માન્ય ન હતો
અમદાવાદ, નિકોલમાં ચાર ગઠિયાઓએ ભેગા મળીને બે વિદ્યાર્થીઓ પાસેથી ખોટું ફી સ્ટ્રક્ચર અને એમબીબીએસનો કોર્ષ ભારતમાં માન્ય ન હોવા છતાં માન્ય ગણાશે તેમ કહીને રૂ. ૨૭.૧૮ લાખ પડાવ્યા હતા. વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ પહોંચ્યા અને કોલેજમાં અભ્યાસ કર્યો, બાદમાં જાણ થઈ કે ફિલિપાઇન્સની આ કોર્ષનું લાયસન્સ ભારતમાં માન્ય નથી.
જ્યારે તેઓ પરત ભારત આવ્યા હતા અને ફી સ્ટ્રક્ચર બતાવ્યું તે પણ ખોટું હતું. તેમજ ખોટા ઓફર લેટર પણ આપ્યા હતા. આ અંગે વિદ્યાર્થીના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાર ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જો વિગતવાર વાત કરીએ તો, વિરાટનગરમાં રહેતા વસંતભાઈ મિસ્ત્રી સોનીની ચાલી પાસે ફેબ્રિકેશનનું કામ કરે છે. જેમાં વર્ષ ૨૦૨૨માં તેમના પુત્ર જય અને ભત્રીજા પુજનને એમબીબીએસના અભ્યાસ માટે ફિલિપાઇન્સ ડગુપાન સિટીમાં લાયસિયમ નોર્થવેસ્ટ યુનિવર્સિટી ખાતે મોકલવાના હોવાથી તેમને જય અંબે એબ્રોડ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસે ગયા હતા.
ફરિયાદી ત્યાંના વહીવટકર્તા પ્રવીણભાઈ ગજેરા મળ્યા હતા. જે બાદ ત્યાં શીતલબેન લુખીને મળ્યા હતા જેમણે કહ્યું કે, ફિલિપાઇન્સમાં અભ્યાસ માટેનું ફી સ્ટ્રક્ચર મુજબ એક વિદ્યાર્થીની ફી અને અન્ય ખર્ચ પેટે કુલ રૂ. ૧૭.૫૦ લાખ થશે તેમ જણાવ્યું હતું. જેથી વસંતભાઈએ પરિવારજનો સાથે વાત કરીને એડમિશન લેવાનું નક્કી કર્યું હતું. બાદમાં બંને વિદ્યાર્થીનું ફિલિપાઇન્સની યુનિવર્સિટીમાં એડમિશન કરાવ્યું હતું. જેમાં પ્રવીણ અને તેના સાગરિતો શીતલ, ઔશીત લુખી, યશ ગજેરાએ ભેગા મળીને કુલ રૂ. ૨૭.૧૮ લાખ વસંતભાઈ પાસેથી મેળવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, જ્યારે બંને વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા તે સમયે જાણ થઈ હતી કે ફિલિપાઇન્સનો એમબીબીએસનો કોર્ષ અને લાયસન્સ ભારતમાં માન્ય નથી. તેમ આરોપીઓ જાણતા હોવા છતાં માન્ય છે તેમ જણાવીને રૂપિયા પડાવ્યા હતા. બાદમાં ચાર મહિના રોકાયા બાદ બંને વિદ્યાર્થી પરત આવ્યા હતા. તેમજ વસંતભાઈએ તપાસ કરતા સામે આવ્યું કે ભારતમાં તે કોર્ષ માન્ય નથી. સાથે જ કોલેજની ફી માત્ર રૂ. ૭૦ હજાર જ હતી. આ અંગે વસંતભાઈએ ચાર લોકો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.