દમણના બે વિઝા એજન્ટે યુવક પાસેથી ૧૩ લાખ પડાવી લીધા
અમદાવાદ, અમદાવાદ શહેરના મેમનગરના વિસ્તારના એક વિઝા એજન્ટે ગુરુવારના રોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. વિઝા એજન્ટનો આરોપ છે કે દમણના આ બન્ને શખ્સોએ તેની સાથે ૧૩.૫૦ લાખ રુપિયાની છેતરપિંડી કરી છે.
વિઝા એજન્ટને આ લોકોએ વચન આપ્યુ હતું કે તે બલ્ગેરિયાની છ અને યુનાઈટેડ કિંગડમની એક વિઝા અપાવી દેશે. શહેરના હેલમેટ ચાર રસ્તા નજીક આવેલા સહજાનંદ રેસિડેન્સી ફ્લેટમાં રહેતા ૩૬ વર્ષીય જયદીપ નાકરાણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે નવરંગપુરા વિસ્તારમાં એક વિઝા કન્સલ્ટન્સી એજન્સી ચલાવે છે.
ઓગસ્ટ, ૨૦૨૧માં જયદીપ નાકરાણીના એક મિત્રએ તેની મુલાકાત આરોપી દુષ્યંત રાણા અને પારસ રાણા સાથે કરાવી હતી. આ બન્ને આરોપીઓ પણ વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે.
સેટેલાઈટ વિસ્તારમાં આ લોકોની મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન દુષ્યંત અને પારસે જયદીપ નાકરાણીને જણાવ્યું કે, અમે ઘણાં લોકોને યુકે સહિત વિવિધ દેશોમાં મોકલ્યા છે. અમે લાંબા સમયથી ઈમિગ્રેશન કન્સલ્ટન્સી બિઝનસમાં કામ કરીએ છીએ.
અમે યુકેના વિઝા માટે ૧૮ લાખ રુપિયા તેમજ બલ્ગેરિયાના વિઝા માટે ચાર લાખ રુપિયા ચાર્જ લઈએ છીએ. જયદીપ નાકરાણી તેમની વાતોમાં આવી ગયો હતો અને વિઝા માટે પ્રથમ ૧૩.૫૦ લાખ રુપિયાનું પેમેન્ટ કર્યુ હતું. પારસ અને દુષ્યંતના આદેશ આનુસાર જયદીપ નાકરાણીએ દિલ્હી સ્થિત એમ્બેસીમાં પાસપોર્ટ પણ જમા કરાવી હતી.
એપ્રિલ, ૨૦૨૨માં જયદીપને જાણવા મળ્યું કે વિઝા ફાઈલ રિજેક્ટ થઈ ગઈ છે. જ્યારે તેમણે દુષ્યંત અને પારસ સાથે આ બાબતે વાતચીત કરી તો તેમણે પૈસા પાછા આપવાની તૈયારી દર્શાવી હતી. ફરિયાદ અનુસાર, તેમણે પૈસા પાછા પણ નથી આપ્યા અને મે, ૨૦૨૨થી ગાયબ પણ થઈ ગયા છે. તેમની સાથે સંપર્ક થઈ શકતો નથી. જયદીપ નાકરાણીએ આખરે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.SS1MS