Accident:વાલિયા ચોકડી નજીક અકસ્માતમાં અમદાવાદના બે યુવકોના મોત
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ૪૮ ઉપર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કાર ઘૂસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિના દર્દનાક મોત નિપજ્યા હતા.જેઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. વિચલિત કરી દેનારા આ અકસ્માતમાં કારમાં ફસાયેલા બે મૃતદેહ કાઢવા ત્રણ ક્રેન અને એક ટેમ્પાની મદદ લેવાઈ હતી.ટેમ્પામાં ખુરદો બોલી ગયેલી કારને હોસ્પિટલ લઈ જઈ DPMC ના ફાયર ફાઈટરોએ બે કલાકની જહેમતે પતરા કાપી મૃતદેહો બહાર કાઢ્યા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આજે બપોરના સમયે દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની ઘટના એટલી ભયંકર હતી કે કાર ચાલકના સ્ટિયરિંગ પર માત્ર આંગળા જ નિહાળી શકાતા હતા.અમદાવાદથી સુરત તરફ જઈ રહેલ કાર અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી.દરમ્યાન બે ટ્રકની વચ્ચે કાર આવી જતાં વિચલિત કરી દેનારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર જાણે રમકડું થઈ જઈ પડીકું વળી ગઈ હતી.આગળ ચાલતી ટ્રકે બ્રેક લગાવતા કાર ચાલકે પણ તેની ગતિ ધીમી કરી હતી જાે કે પાછળથી ટાઈલ્સ ભરીને આવી રહેલ ટ્રક કાર સાથે ભટકાઈ હતી.
કાર બે ટ્રક વચ્ચે જાણે સેન્ડવીચ બની ગઈ હતી.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્રણ ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી.પડીકું વળી ગયેલી કાર અને તેમાં સવાર બે વ્યક્તિના મૃતદેહ કાઢવા ક્રેનથી કારને ટેમ્પામાં ચઢાવી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.જ્યાં DPMC ના જવાનો દ્વારા એક કલાકની જહેમત બાદ કારના પતરાને કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.બન્ને મૃતદેહોને પોસ્ટમોટર્મ અર્થે મોકલી બનાવ સંદર્ભે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
બી ડિવિઝન વી.યુ.ગડરિયાએ હ્યુન્ડાઈની મીની કાર હોવાનુ અને મૃતકો પૈકી એક અમદાવાદના ચાંદખેડાના વતની મૂળ પરપ્રાંતીય અખિલ અનુપકુમાર શ્રીવાસ્તવ હોવાની પ્રાથમિક માહિતી આપી હતી.જાેકે અકસ્માત કઈ રીતે સર્જાયો, કારની ઝડપ કેટલી હતી અને કેવી રીતે બે ટ્રકો વચ્ચે આવી ખુરડો બોલી ગઈ તેની વિગતો સામે આવી ન હતી.હજી આ લખાય છે ત્યાં સુધી મૃતકોની વધુ વિગત બહાર આવી શકી નથી.