દારૂ-પી નોન વેજ ખાઈ ક્ચરો કાર પાસે નાખતા યુવાનોની ફરિયાદ કરતાં IPSના ભાઈને ધમકી આપી
સેટેલાઈટનો બનાવઃ IPS ગીતા જોહરીના ભાઈની કારને બે યુવકોએ નુકસાન કરીને ધમકી આપી
(એજન્સી)અમદાવાદ, રાજ્યનાં સૌથી પહેલાં મહિલા આઈપીએસ ઓફિસર અને પૂર્વ પોલીસવડા ગીતા જોહરીના ભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બે યુવકો વિરુદ્ધ ધાકધમકીની ફરિયાદ કરી છે. ગીતા જોહરીના ભાઈ પણ વિજિલન્સ ઓફિસર હતા. ત્યાર બાદ નિવૃત્ત થયા હતા. પીજીમાં રહેતા બે યુવકોએ વૃદ્ધની કારને નુકસાન પહોંચાડીને માર મારવાની ધમકી આપી હતી.
સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ કો.ઓ, હાઉસિંગ સોસાયટીમાં રહેતા નીરજકુમાર જોહરીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હર્ષ અને સ્મિત ભાયાણી વિરુદ્ધ ધમકી તેમજ કારને નુકસાન થયાની ફરિયાદ કરી છે. નીરજકુમાર જોહરી વિજિલન્સ વિભાગમાં કલાસ વન અધિકારી હતા અને હાલમાં તે નિવૃત્ત છે. નીરજકુમાર પાસે એક કાર છે, જે તેમના અંગત ઉપયોગ માટે છે.
નીરજકુમારે પોતાની કાર સોસાયટીના પા‹કગમાં પાર્ક કરી હતી ત્યારે પીજી તરીકે રહેતા બે યુવકોએ તેમની કારને નુકસાન કર્યું હતું. હર્ષ અને સ્મિત ભાયાણીએ નીરજકુમારની કારને સ્ક્રેચ પાડી દીધા હતા. સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતાંની સાથે જ નીરજકુમારે કારમાં સ્ક્રેચ પાડવાના મામલે હર્ષ અને સ્મિતને પૂછ્યું હતું. હર્ષ અને સ્મિત કોઈ સ્ક્રેચ પાડ્યા નથી તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા.
મારવાની ધમકી આપીને બંને યુવકોએ નીરજકુમાર સાથે માથાકૂટ કરી હતી. નીરજકુમારે આ મામલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. નીરજકુમારે આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજના આધારે હર્ષ અને સ્મિત વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે નીરજકુમારે જણાવ્યું છે કે બંને યુવકો રોજ દારૂ તેમજ નોન વેજ પાર્ટી કરીને ક્ચરો ગાડી પાસે નાંખે છે. રોડ દારૂ પાર્ટી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ છે. આ મામલે અનેક વખત તેમને સમજાવ્યા હતા. કારને નુકસાન કરતા અંતે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.