UAEમાં વસતા ૩૩ લાખ ભારતીયો માટે BAPS મંદિર પ્રેરણાનું પ્રતીક
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો આરબ ભૂમિ પર મંદિર કરવાનો સંકલ્પ થઈ રહ્યો છે સાકાર-યુ. એ. ઇ.ની રાજધાની અબુધાબીમાં બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય બી. એ. પી. એસ. હિન્દુ મંદિરનું થઈ રહ્યું છે નિર્માણ
આ મંદિર ભારત અને યુ. એ. ઇ વચ્ચેના ગાઢ સંબધોનું પ્રતીક, યુ. એ. ઇ માં વસતા ૩૩ લાખ ભારતીયો ઉપરાંત અન્ય અનેક સંસ્કૃતિઓ અને સમુદાયો માટે પ્રેરણાનું પ્રતીક
૨૦૧૯માં વિશ્વપ્રસિદ્ધ શેખ ઝાયેદ મસ્જિદમાં મહંતસ્વામી મહારાજ અને સંતવૃંદની શેખ નહ્યાને કરાવી હતી પધરામણી
2૦૧૯ માં આરબ જગતની સર્વપ્રથમ વિશ્વ બંધુત્વ પરિષદમાં બી. એ. પી. એસ સંસ્થાના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કર્યું હતું ઉદ્ઘાટન-પ્રવચન
બાહરીનના વડાપ્રધાન દ્વારા ફેબ્રુઆરી, ૨૦૨૨ માં બી. એ. પી. એસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણ માટે ભૂમિની ફાળવણી -સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ ખાતે મે, ૨૦૨૨ માં યોજાયેલ પ્રથમ ઐતિહાસિક આંતરધર્મ પરિષદમાં બી. એ. પી. એસ. નું પ્રતિનિધિત્વ
સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધની એક નિરાળી ગંગા વહેતી રહી છે. ૧૯૯૭માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આરબ ભૂમિ પર પધાર્યા ત્યારે તેઓએ અહી વસતા હિન્દુઓની ધર્મભાવનાને પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબ ભૂમિ પર ભવ્ય સંસ્કૃતિધામ મંદિરનું નિર્માણ થાય.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની આરબદેશોની વિચરણયાત્રા દરમિયાન બાહરીનના રાજા શેખ અમીર ઈસા બિન સલમાન અલ ખલીફા, શારજાહ ના રાજવી પરિવારના શ્રી શેખ હામદ, મસ્કત ના રાજવી શેખ સૈયદ સૈફ બિન હામદ બિન સાઉદ અલ બુસાયદી તેમજ દુબઈના આરબ ઉમરવો સાથેની તેમની સ્નેહસભર મુલાકાતો સૌનાં દિલોદિમાગ પર અનોખો દિવ્ય પ્રભાવ પાથરી ગઈ છે.
વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં એપ્રિલ, ૨૦૧૯માં અબુધાબીમાં બી. એ. પી. એસ.હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો. યુ. એ. ઇ. ની સરકારે પ્રારંભમાં આ મંદિરના નિર્માણ માટે અઢી એકર ભૂમિ ફાળવી હતી. શેખ અબ્દુલ્લા બિન ઝાએદ અલ નહ્યાને દિલ્લીના અક્ષરધામની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ અબુધાબીના ક્રાઉન પ્રિન્સે ૨૭ એકર ભૂમિનું દાન કર્યું હતું.
વર્ષોથી બાહરીનના રાજવી પરિવાર અને બી. એ. પી. એસ વચ્ચે ઘણી સદભાવના મુલાકાતો યોજાઇ હતી. અહી એક વિસ્તૃત હિન્દુ મંદિરની જરૂરિયાત છે તે અંગેની રજૂઆત બાદ, ભારત સરકાર અને બાહરીન સરકારના સંયુક્ત સહયોગથી બી. એ. પી. એસ મંદિર માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં મંદિર માટે જમીન પ્રાપ્ત થઈ છે.