UCC માટે નાગરિકોને તાર્કિક સૂચનો અને રજૂઆતો કરવા કલેકટર એસ.કે .પ્રજાપતિનો અનુરોધ

સમાન સિવિલ કોડ સમિતિના સભ્યશ્રી સી.એલ. મીના અને વરિષ્ઠ એડવોકેટ આર.સી કોડેકરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી મહેસાણા ખાતે બેઠક યોજાઇ
એક દેશ એક ન્યાય માટે રાજ્યના નાગરિકોના અભિપ્રાયોની સમીક્ષા કરીને કાયદાની રૂપરેખા સૂચવશે સમિતિ- સભ્યશ્રી સી.એલ. મીના
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડ (UCC)નાં અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાના ભાગરૂપે આજ રોજ સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતના સભ્યશ્રી સી.એલ.મીણા અને શ્રી આર.સી.કોડેકર તેમજ કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ મહેસાણા કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી.
સમિતિના સભ્યશ્રી નિવૃત આઈએએસ શ્રી સી .એલ. મીનાએ જણાવ્યું હતું કે ,ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સુચવશે.
આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે, સમિતિ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા. ૨૪/૦૩/૨૦૨૫ સુધીમાં વેબ-પોર્ટલ (https://uccgujarat.in) અથવા ટપાલ મારફતે (સરનામું- સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦) દ્વારા તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો રજૂ કરી શકે છે.
કલેકટરશ્રી એસ.કે .પ્રજાપતિએ જણાવ્યું હતું કે યુસીસી માટે આ બેઠક ઉપરાંત નાગરિકો પોતાના મંતવ્યો પણ વેબ પોર્ટલ દ્વારા પણ મોકલાવી શકે છૅ જેમાં નાગરિકો તાર્કિક સૂચનો અને રજૂઆતો કરશે એવો તેમણે અનુરોધ કર્યો હતો……
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસ્મીને પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી જે.કે. જેગોડાએ આ બેઠકમાં વિષય પ્રસ્તાવના, સ્વાગત અને આભારવિધિ કરી હતી
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, જિલ્લા અગ્રણીશ્રી ગિરીશભાઈ રાજગોર, અને શ્રીનારાયણદાસ પટેલ, ધારાસભ્યશ્રી ખેરાલુ સરદારભાઈ ચૌધરી બેચરાજી ધારાસભ્યશ્રી ઠાકોર સુખાજી ઠાકોર, ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી સહિત જિલ્લા અગ્રણીશ્રીઓ તેમજ વિવિધ સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા….