ભાજપ શાસિત તમામ રાજ્યોમાં યુસીસી લાગુ કરાશેઃ અમિત શાહ
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભાજપ શાસિત તમામ રાજ્યોમાં ઉત્તરાખંડની જેમ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરાશે. યુસીસીથી લઈને અનામત સહિતના મામલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં અમિત શાહે કોંગ્રેસ પર ખુશામતનું રાજકારણ રમવાનો આક્ષેપ મુક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, બંધારણની કલમ ૪૪માં સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ છે. જવાહર લાલ નહેરુ દ્વારા મુસ્લિમ પર્સનલ લો અમલી બનાવવાને કારણે યુસીસીનો અમલ શક્ય બન્યો નહોતો. તેમણે કોંગ્રેસને સવાલ કર્યાે હતો કે શું એક બિનસાંપ્રદાયિક દેશમાં તમામ માટે એક સમાન કાયદો ના હોવો જોઈએ? કોંગ્રેસે મુસ્લિમો માટે અલગ પર્સનલ લો અમલી બનાવ્યાં પરંતુ ફોજદારી કાયદા કોમન રાખ્યાં.
જો મુસ્લિમ પર્સનલ લો જોઈતો હોય તો તે સંપૂર્ણ સ્વરૂપે અમલી બનાવવો જોઈએ. ફોજદારી ગુનાઓમાં શરિયાનો કાયદો કેમ નથી લાગુ પાડવામાં આવતો? શું તમે ચોરી કરનાર વ્યક્તિનો હાથ કાપી નાખશો? ઉતરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ(યુસીસી) જાન્યુઆરી ૨૦૨૫થી લાગુ થશે.
યુસીસી લાગુ કરવા માટે સરકાર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, તેમ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું છે. મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે, ઉતરાખંડને ન્યાયસંગત અને સમતામૂલક બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલાં ભરવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સચિવાલયમાં ઉતરાખંડ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ળાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડની બેઠક પછી મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે, ઉતરાખંડ સરકાર પોતાના સંકલ્પ મુજબ સમાન નાગરિક સંહિતા(યુસીસી) લાગુ કરવાની દિશામાં હોમવર્ક સંપન્ન કરી ચૂકી છે. માર્ચ ૨૦૨૨માં રાજ્યની નવી સરકાર રચાયા પછી મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં જ રાજ્યમાં યુસીસી લાગુ કરવા માટે એક તજજ્ઞ સમિતિ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.SS1MS