ઉદયપુરથી અમદાવાદની સફર ટ્રેનમાં માત્ર ૫ઃ૩૦ કલાકમાં પૂરી થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવામાં ૨૯૦૦ કરોડથી વધુના ૨ રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવામાં ૨૯૦૦ કરોડથી વધુના ૨ રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ૩૦૦ કિલોમીટર લાંબી અસારવા-હિંમતનગર-ઉદયપુર રેલ્વે લાઇન અને ૫૮ કિલોમીટર લાંબી લુણીધર-જેતલસર રેલમાર્ગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર-જેતલસર અને અસારવાથી ઉદેપુર વચ્ચે દોડતી નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતના વિકાસ માટે, ગુજરાતની કનેક્ટિવિટી માટેનો મોટો દિવસ છે. ગુજરાતના લાખો લોકો મોટા વિસ્તારમાં બ્રોડગેજ લાઇનની ગેરહાજરીથી પરેશાન હતા. તેમને આજથી ઘણી રાહત મળવાની છે.
Hon’ble PM @narendramodi Ji flagged off Bhavnagar-Jetalsar and Asarva-Udaipur trains from Asarva Railway Station, Ahmedabad. pic.twitter.com/oqopUlc9sK
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 31, 2022
તમને જણાવી દઈએ કે, ઉદયપુર-અમદાવાદ નવી બ્રોડગેજ લાઇન પર ટ્રેન શરૂ થવાથી ઘણા ફાયદા થશે. જેના કારણે મુખ્યત્વે સમયની બચત થશે. ઉદયપુરથી અમદાવાદ માત્ર ૫.૩૦ કલાકની મુસાફરીમાં પહોંચી શકાય છે. તે જ સમયે, આ ટ્રેનમાં સામાન્ય ટિકિટ માત્ર ૧૧૦ રૂપિયા હશે. અગાઉ મીટરગેજ ટ્રેનની સ્પીડ માત્ર ૪૫ કિમી પ્રતિ કલાક હતી અને તેને અમદાવાદ પહોંચવામાં ૧૦ કલાકનો સમય લાગતો હતો.
મીડિયા અહેવાલો અનુસાર, રેલ્વેએ કહ્યું કે, આ વિભાગ દેશના અન્ય ભાગો સાથે કનેક્ટિવિટીના સંદર્ભમાં આ વિસ્તારોના સ્થાનિક લોકો માટે મોટી રાહત હશે. આનાથી આ વિસ્તારની આસપાસના પ્રવાસીઓ, વેપારીઓ, ઉત્પાદન એકમો અને ઉદ્યોગોને પણ ફાયદો થશે. ૪૨૫ કરોડના ખર્ચે લુણીધર-જેતલસર બ્રોડ-ગેજ સેક્શનનું ગેજ કન્વર્ટ કરવામાં આવ્યું છે.
રેલ્વેએ જણાવ્યું હતું કે, “હિંમતનગરમાં ટાઇલ અને સિરામિક ઉદ્યોગો આ રેલ પ્રોજેક્ટનો લાભ લઈ શકે છે કારણ કે તેઓ તેમનો માલ દેશભરના ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.” તે આ પ્રદેશમાં ઔદ્યોગિકીકરણમાં મદદ કરશે. રેલ્વેએ જણાવ્યું હતું કે, “આનાથી રોજગારીની વધારાની તકો ઊભી કરવામાં મદદ મળશે
અને તે અમદાવાદ અને દિલ્હીનો વૈકલ્પિક માર્ગ પણ હશે જે ઝડપી, આર્થિક અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પૂરો પાડશે.” પોરબંદરથી પીપાવાવ બંદર અને ભાવનગરનો રૂટ. તે વેરાવળ અને પોરબંદરથી અમદાવાદ અને દેશના અન્ય ભાગો માટે વૈકલ્પિક માર્ગ પણ પ્રદાન કરશે.