Western Times News

Gujarati News

એવું તે શું થયું કે ગુજરાતમાંથી ઉદેપુરના પ્રવાસ લોકોએ રદ કર્યા

(એજન્સી)ઉદયપુર, ઉદયપુરમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ છરીના ઘા માર્યા બાદ ઘાયલ થયેલા દેવરાજનું મોત થયું છે. ઘટના બાદ દેવરાજની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે એમબી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. આ પછી હોસ્પિટલનો એક દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી દેવરાજના મોત બાદ હોસ્પિટલની બહાર કલેક્ટર એસપી સહિત ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અગાઉ, આ ઘટનાના પગલે ફાટી નીકળેલા સાંપ્રદાયિક તણાવ વચ્ચે રવિવારે જિલ્લાના ઘણા વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ રહી હતી. વિદ્યાર્થીના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો રવિવારે અહીંના મુખરજી નગર ચોક ખાતે એકઠા થયા હતા અને મહારાણા ભૂપાલ સરકારી હોસ્પિટલ સુધી રેલી કાઢી હતી. તેણે હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીને મળવા ન દેવાનો આરોપ લગાવ્યો હતો.

ઉદયપુરના પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે જણાવ્યું હતું કે, “બજારો ખુલ્લા છે પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે પણ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ રહી હતી. આ વિસ્તારમાં વધારાની પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને બાળ ગૃહમાં મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આરોપીના પિતાની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સપ્તાહમાં ૧પમી ઓગસ્ટથી માંડીને રક્ષાબંધનની રજા હોવાથી ઘણા પરિવારોએ મીની વેકશનની રજા ગાળવા હરવા ફરવાના સ્થળોએ ઉપડયા છે. જો કે, ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે છૂરાબાજીની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ છે. એટલું જ નહીં તોફાનો થતાં ઉદયપુરમાં રજા માણવા ઈચ્છુક ગુજરાતીઓની રજાના રંગમાં ભંગ પડયો છે. છેલ્લી ઘડીએ હોટલ બુકિંગ રદ કરવા પડયા છે. સાથે સાથે ટુર પેકેજ બદલવા પડયા છે.

ઉદયપુરમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂરાબાજીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તોફાનો થતાં પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે. દરમિયાન મીની વેકેશન માણવા માટે ગુજરાતી પ્રવાસીઓએ ઉદયપુરમાં ત્રણ દિવસ-બે રાત્રીના ટુર પેકેજ પર જવાનું પસંદ કર્યું હતું પણ તોફાનોને પગલે ૧૦-ર૦ ટકા હોટલ બુકિંગ રદ કરાયા છે. માત્ર ઉદયપુરમાં જ વિવિધ હોટલોમાં અંદાજે ર૦૦થી વધુ રૂમ બુકિંગ કેન્સલ થયું છે.

ટુર ઓપરેટરોનું કહેવું છે કે, ઉદયપુરમાં તંગદિલી છવાઈ છે પરિણામે ગુજરાતી પ્રવાસીઓએ હોટલ બુકિંગ રદ કરાવી કુંભલગઢ-રાણકપુર જવાનું પસંદ કર્યું હતું. આ ઉપરાંત ઘણાએ તો ચિત્તોડગઢ પર પણ પસંદગી ઉતારી હતી.

અમુક પરિવારોએ નાથદ્વારા જઈને રજાનો આનંદ માણ્યો હતો. ઉદયપુરમાં હોટલ બુકિંગ રદ થતાં નાથદ્વારામાં મોટાભાગની હોટલો હાઉસફૂલ થઈ હતી. ઉદયપુરમાં તોફાનો થતાં ગુજરાતીઓની મીની વેકેશનની રજા બગડી ગઈ હતી તેનું કારણ છે કે, ઉદયપુર ગુજરાતીઓનું હોટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. તોફાનોને પગલે ઉદયપુરમાં પણ બુકિંગ રદ થતાં હોટલ સંચાલકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.