ગુજરાતની આટલી યુનિવર્સિટીઓને UGCએ ડિફોલ્ટર જાહેર કરી
અનંત નેશનલ યુનિવર્સિટી(અમદાવાદ), ઇન્ડસ યુનિવર્સિટી(અમદાવાદ), કર્ણાવતી યુનિવર્સિટી (ગાંધીનગર), MS યુનિવર્સિટી ઓફ બરોડા(વડોદરા) અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી(ગાંધીનગર)નો સમાવેશ
દેશની ૧૫૭ યુનિવર્સિટીઓને યુજીસીએ ડિફોલ્ટર જાહેર કરી
(એજન્સી)નવી દિલ્હી, યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુજરાત ૧૦ સહિત દેશની ૧૫૭ ડિફોલ્ટર યુનિવર્સિટીઓ જાહેર કરી છે. યુજીસીએ તેની યાદી પણ બહાર પાડી છે.
જેમાં ૧૦૮ સરકારી યુનિવર્સિટી, ૪૭ ખાનગી યુનિવર્સિટી અને બે ડીમ્ડ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુજીસી અનુસાર, આ તમામ યુનિવર્સિટીઓએ લોકપાલની નિમણૂક કરી નથી, જેથી તેમને ડિફોલ્ટર યુનિવર્સિટીની યાદીમાં સામેલ કરવામાં આવી છે.
યુજીસી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાતની ૧૦ યુનિવર્સિટીઓને ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવી છે. જેમાં સરકારી યુનિવર્સિટીઓ જેવી કે ગુજરાત આયર્વેદ યુનિવર્સિટી(જામનગર), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(રાજકોટ), મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા(વડોદરા) અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી(ગાંધીનગર)નો સમાવેશ થાય છે,
જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેવી કે, અનંત નેશનલ યુનિવર્સિટી(અમદાવાદ), ગાંધીનગર યુનિવર્સિટી(ગાંધીનગર), ઇન્ડસ યુનિવર્સિટી(અમદાવાદ), કર્ણાવતી યુનિવર્સિટી (ગાંધીનગર), સાર્વજનિક યુનિવર્સિટી (સુરત), કેએન યુનિવર્સિટી(અમદાવાદ)નો સમાવેશ થાય છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં મધ્યપ્રદેશની સાત યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. જેમાં માખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન (ભોપાલ)નો સમાવેશ થાય છે.