Western Times News

Gujarati News

UIDAI:આધાર સિસ્ટમમાં અનેક નબળાઈ હોવાનો પોલીસનો ઘટસ્ફોટ

નવી દિલ્હી, દિલ્હી પોલીસે Unique Identification of Indiaની સિસ્ટમમાં ઘણી નબળાઈઓ શોધી તેની નોંધ લીધી હોવાનું સામે આવ્યું છે. આનાથી અસામાજિક તત્વોને આધાર કાર્ડની સર્વિસ સાથે ચેડા કરી છેતરપિંડી સહિતના કૌભાંડ કરવાના રસ્તા મળી જાય છે. UIDAI: Police reveals many weaknesses in Aadhaar system

https://uidai.gov.in/

નોંધનીય છે કે દિલ્હી પોલીસે અગાઉ આ પ્રમાણે થયેલી છેતરપિંડીના કેસ સ્ટડી કર્યા હતા. જેના આધારે આધાર સર્વિસમાં ઘણી નબળાઈઓ અને છટકબારીઓ જાેવા મળી હતી. બેંક ફ્રોડના કેસની વિગતવાર નોંધ લેતા દિલ્હી પોલીસે આની સૌથી મોટી નબળાઈ શોધી લીધી હતી.

આધાર સિસ્ટમ કોઈપણ વ્યક્તિ માટે આઈડી બનાવતા સમયે ફેસિયલ બાયોમેટ્રિક્સ મેચિંગની પ્રક્રિયા ધરતી નથી.

આના કારણે ઘણા ફ્રોડના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. દિલ્હી પોલીસે વધુમાં કહ્યું છે કે અમે વિગતે નોંધ લીધી ત્યારે જાણવા મળ્યું છે કે એક જ આધારાકાર્ડ પરથી વિવિધ લોકોના નામના વેરિફિકેશન પછી કુલ ૧૨ બેન્ક એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા.

હવે આ આધાર સિસ્ટમની નબળાઈ કહી શકાય કારણ કે ફેસિયલ બાયોમેટ્રિક્સ મેચિંગમાં તે કાચુ રહી ગયું છે. આ ૧૨ બેન્ક એકાઉન્ટ અલગ અલગ વ્યક્તિના નામના વેરિફિકેશન પછી ડિજિટલ રીતે ખોલવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે યુઆઈડીએઆઈને આ અંગે જાણ કરતા નોંધ આપી કે આ ઘટના પછી સિસ્ટમમાં એ ખામી સામે આવી કે એક વ્યક્તિ માટે વિવિધ આધાર કાર્ડ બનાવવા શક્ય છે.

આ દરમિયાન દરેકમાં ફિંગર પ્રિન્ટ ભલે અલગ અલગ હોય પરંતુ તેનો ફોટો એક જ હોય તો એક જ વ્યક્તિ અલગ અલગ નામની ઓળખ સાથે આધારકાર્ડ બનાવી શકે છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે કેટલાક શખસો અધિકૃત એજન્ટોની ગુપ્ત માહિતીનો ઉપયોગ કરી રહ્યા હતા.

જેમણે સિલિકોન ફિંગરપ્રિન્ટ, પ્રિન્ટઆઉટ અને આઈઆરઆઈએસ સ્કેન તથા લેપટોપ આપ્યા હતા. યુઆઈડીએઆઈના જણાવ્યા પ્રમાણે જે અધિકૃત એજન્ટ છે તેઓ સરકારી સ્થળ અથવા કચેરીથી જ લોગ ઈન કરી કામ કરી શકે છે.

તેમનું સતત GPS લોકેશન પણ ચેક કરવામાં આવતું રહે છે. જીપીએસ સિસ્ટમને બાયપાસ કરવા માટે કેટલાક શખસો ૨થી ૩ દિવસમાં સંપૂર્ણ વિગતો હોય તે લેપટોપ એકવાર ઉપાડી લે છે.

ત્યારપછી એની સિસ્ટમ સાથે ચેડા કરી GPS લોકેશન જે-તે સરકારી સ્થળનું આવે તેવું કરી દેતા હોય છે. આના કારણે આગામી ૨-૩ દિવસ સુધી આ લેપટોપમાં ક્યાંયથી પણ કામ કરો જીપીએસ લોકેશન જે-તે સરકારી સ્થળનું જ બતાવશે. સિસ્ટમમાં બીજી મોટી ખામી સિલિકોન ફિંગરપ્રિન્ટ અને લાઈવ ફિંગરપ્રિન્ટ વચ્ચે ભેદ સ્પષ્ટ કરવાની પણ છે. આ સિસ્ટમ બંને વચ્ચે તફાવત કરવામાં અસમર્થ છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક અસામાજિક તત્વો સિલિકોન ફિંગરપ્રિન્ટ કોઈપણ એજન્ટની લઈને સિસ્ટમમાં લોગ ઈન કરવા માટે સક્ષમ હતા. એજન્ટોએ આપેલા તેમના સિલિકોન ફિંગરપ્રિન્ટથી uidai સિસ્ટમમાં દાખલ થવું આવા શખસો માટે સરળ હતું.

એટલું જ નહીં UIDAI સિસ્ટમ આઈઆરઆઈએસ સ્કેનની કોપીને શોધવા માટે પણ સક્ષમ નહોતું. આ એક બાયોમેટ્રિક ફિચર છે જે કોઈપણ વ્યક્તિને સિસ્ટમમાં લોગ ઈન કરતા પહેલા મશીન સામે બેઠી છે કે નહીં તે શોધવા વપરાય છે. ઘણીવાર કેટલાક શખસો આની સ્કેન કોપી દ્વારા સિસ્ટમના આ લૂપહોલનો ફાયદો ઉઠાવી કલર પ્રિન્ટઆઉટનો ઉપયોગ કરી લોગ ઈન કરી દેતા હોય છે.

આ ખામી અંગે પણ મોટો ખુલાસો થયો છે. પોલીસે જે પ્રમાણે રિપોર્ટ જાહેર કર્યો છે એમાં ઉલ્લેખ કરાયો છે કે છેતરપિંડી આચરનારા શખસો યુઆઈડીએઆઈના ડેટાબેઝમાં ફોટોગ્રાફ્સ એડિટ-અપલોડ કરવા માટે સક્ષમ હતા. જેનાથી એ પણ સ્પષ્ટ થયું છે કે યુઆઈડીએઆઈ સિસ્ટમમાં ફેસિયલ બાયોમેટ્રિક્સ મેચિંગની ચકાસણી થતી નથી અથવા એમાં ખામી છે.

આ અંગે પોલીસે આધાર સિસ્ટમ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે આધાર સિસ્ટમ દ્વારા વ્યક્તિના ૧૦ ફિંગરપ્રિન્ટ્‌સને એક ઓળખ તરીકે જ ગણવામાં આવે છે, તેને ૧૦ અલગ અલગ ઓળખ ગણાતી નથી. જે લોકો છેતરપિંડી કરી રહ્યા છે તેમને આ સિસ્ટમની જાણ હતી. જેથી કરીને તેમણે એક વ્યક્તિના ફિંગરપ્રિન્ટને બીજી વ્યક્તિ સાથે ભેળવીને અનેક આધાર કાર્ડ બનાવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.