UKથી કેરળ આવેલા આઠ મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ
થીરુવનનંતપુરમ, બ્રિટન સહિતના દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારના કેસ સામે આવ્યા બાદ વિદેશથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવે છે. જેમાં યુકેથી આવેલા મુસાફરો કોરોના પોઝિટિવ આવતા ખાસ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. તેમના સેમ્પલને આગળ તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, વાયરસના નવા પ્રકારના કારણે ખાસ સાવચેતી રાખવામાં આવે છે, કારણ કે આ નવા સ્વરુપથી કેસ ઝડપથી ફેલાય છે.
સ્વાસ્થ્ય મંત્રી કેકે શાહીલ્જાએ શનિવારે જણાવ્યું કે યુકેથી આવેલા ૮ મુસાફરો પોઝિટિવ આવ્યા છે અને તેમના સેમ્પલના વિસ્તૃત રિપોર્ટ માટે તેને એનઆઈવી મોકલવામાં આવ્યા છે. વધુમાં સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, દુનિયાના યુકે સહિતના બાકી દેશોની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત પરત આવતા મુસાફરોના ટેસ્ટ કરીને વિસ્તૃત તપાસ કરવામાં આવે છે.
રાજ્યના અન્ય ચાર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં અહીં કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ હતી, જેના કારણે કોરોના વાયરસના નવા કેસમાં ઉછાળો નોંધાશે તેમ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ તેવું થયું નથી. તેમણે ઉમેર્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુના રેટમાં વધારો નથી થયો, કારણે આ દિશામાં ખાસ કાળજી રાખીને પગલા ભરવામાં આવે છે.SSS