લંડનમાં રહેતા ભાણીયા સાથે મળીને મામાએ ગુજરાતમાં વિઝાના નામે મામા બનાવ્યા
યુકે વિઝાના બહાને ૨૪.૫૦ લાખની ઠગાઇ: યુકેના યુવક સહિત ૯ સામે ફરિયાદ-વારંવાર વિઝા માટે બ્રિજેશની પત્ની સંજનાની પૃચ્છા કરી હતી પરંતુ તેણે ગલ્લાંતલ્લાં કર્યા હતા
અમદાવાદ , યુકે વિઝાના બહાને ૨૪.૫૦ લાખની ઠગાઇ કેસમાં યુકેના યુવક સહિત ૯ સામે ફરિયાદ નોંધાઇ છે. આ મામલે નરોડા પોલીસે તપાસ આરંભી છે. નોંધનીય છે કે, અગાઉ મોડાસામાં પણ આ જ રીતે ઠગાઇ આચર્યાનું બહાર આવ્યું હોવાની જાણ નરોડાના આધેડને થતા તેમણે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
નરોડામાં ૪૯ વર્ષીય ચેતનભાઇ ઇન્દ્રવદન પરમાર પરિવાર સાથે રહે છે. ચેતનભાઇની મોટી દીકરી વનિતાને વિદેશ જવું હતું. વર્ષ ૨૦૨૩માં ચેતનભાઇએ તેમના ફ્લેટમાં રહેતા બ્રિજેશભાઇને મળ્યા હતા. બ્રિજેશભાઇ પહેલાંથી લોકોને વિદેશ મોકલવાનું કામ કરતા હતા. દીકરીને વિદેશ મોકલવા બ્રિજેશભાઇએ ૨૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ તેમના ઘરે બેઠક રાખી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારો ભાણો આદિત્ય અતુલભાઇ દવે હાલ યુ.કે.માં છે અને તે આ કામમાં એક્સપર્ટ છે અને તે કામ કરી આપશે, બદલામાં તમારે ૨૫ લાખ ખર્ચ થશે. આ સમયે બ્રિજેશની પત્ની સંજનાએ પણ હાજર રહી બધું કામ થઇ જશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત, આદિત્યને ફોન કર્યો હતો ત્યારે તેણે જણાવ્યું હતું કે, યુ.કે. બેઝ કંપનીનો સ્પોન્સર લેટર આપશે અને પાંચ વર્ષના વિઝા કરી આપી તથા નોકરી પણ અપાવી દઇશ.
તેથી ચેતનભાઇને તેમના પર વિશ્વાસ આવતા ટુકડે ટુકડે ૨૪.૫૦ લાખ બ્રિજેશ અને તેના પરિવારને ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ આદિત્યએ સ્પોન્સર લેટર મોકલી આપ્યો હતો અને તે લેટર આશિષ ઠક્કરને આપવા જણાવ્યું હતું. જેથી તેમણે લેટર આશિષને આપ્યો હતો. જેની પ્રોસેસ આશિષે કરતા તે વિઝા રદ થયા હતા. જેથી સ્પોન્સર લેટર બોગસ હોવાનું ચેતનભાઇને જણાયું હતું.
તેથી આ મામલે તેમણે બ્રિજેશને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. જેથી ઘરે જઇ પૃચ્છા કરતા તેની પત્નીએ હાલ તેઓ ઘરે નથી અને હવે વિઝાનું કામ હું સંભાળું છું, બંધુ ઠીક કરી દઇશ. ત્યારબાદ વારંવાર વિઝા માટે બ્રિજેશની પત્ની સંજનાની પૃચ્છા કરી હતી પરંતુ તેણે ગલ્લાંતલ્લાં કર્યા હતા. બીજી તરફ આદિત્યએ આ જ રીતે મોડાસામાં લોકો સાથે ઠગાઇ કરી હોવાની ફરિયાદ ત્યાં દાખલ થઇ હોવાનું ચેતનભાઇને જાણવા મળ્યું હતું.
તેથી તેઓ પોલીસ મથક પહોંચ્યા હતા અને બ્રિજેશ ત્રિવેદી, આદિત્ય અતુલ દવે (રહે. યુકે), શિલ્પા અતુલકુમાર દવે, સંજનાબહેન બ્રિજેશભાઇ ત્રિવેદી, નવિન છીપા, આશિષ ઠક્કર સહિત ૯ સામે ઠગાઇ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.