Western Times News

Gujarati News

ઉમરેઠમાં મૃતદેહને કબરમાંથી બહાર કઢાયો: જાણો શું હતું કારણ?

વ્યાજખોરોનાં ત્રાસથી દીકરાએ ઝેરી દવા પી આપઘાત કર્યાનો પરિવારજનોનો આક્ષેપ-દફનવિધિનાં પાંચ દિવસ બાદ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ

(પ્રતિનિધિ) ઉમરેઠ, ઉમરેઠના કડિયાવાડમાં રહેતા ૩૬ વર્ષિય યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ચકચાર બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનોએ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં ભારે હોબાળો થયો હતો. આખરે પાંચ દિવસ બાદ પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

ઉમરેઠના જાગનાથ ભાગોળ માં આવેલા કડીયાવાડમાં રહેતા શબ્બીર નુરમહંમદ કારીગર (ઉ.વ.૩૬) કડીયાકામ કરતો હતો. શબ્બીરે ૩૦મી ઓક્ટોબરના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આથી મૃતકનાં પરિવારમાં ભારે શોકની લાગણી જન્મી હતી. જોકે, તપાસ દરમિયાન શબ્બીરે વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી આ વ્યાજખોરો સામે પગલાં ભરવા ઉમરેઠ પોલીસમાં રજુઆત કરી હતી પરંતુ પોલીસે કોઈ ફરિયાદ લીધી નહતી. જેથી ભારે હોબાળો થયો હતો. આઅંગે શબ્બીરના પરિવારજનો એ આક્ષેપ કર્યો હતો કે, ઉમરેઠના જ કેટલાક વ્યક્તિ પાસેથી શબ્બીરે વ્યાજે નાણા લીધા હતા. આ નાણાનું ખૂબ ઉંચુ વ્યાજ શબ્બીર ચુકવતો હતો. પરંતુ થોડા સમયથી વ્યાજ ચુકવી ન શકતાં તેને જાહેરમાં મારમારી ધાક – ધમકી આપવામાં આવી હતી.

આથી, વ્યાજખોરોના ત્રાસથી શબ્બીર માનસિક રીતે પડી ભાંગ્યો હતો અને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ અંગે તેઓએ મોબાઇલમાંથી મળેલા કોલ રેકોર્ડગ અને સ્ક્રીન શોટ પણ પોલીસ સમક્ષ રજુ કર્યાં હતાં. પરંતુ પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરવામાં પાછી પાની કરી રહી હતી. જોકે, ઉગ્ર રજુઆત કરતાં પોલીસે માત્ર અરજી જ લીધી હતી.

આમ, ચાર – ચાર દિવસથી ન્યાય માટે પરિવારજનો રઝળતાં રહ્યાં હતા. પરંતુ ઉમરેઠ પોલીસ ના પેટનું પાણી હલતું ન હતું. આખરે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જેના પગલે પોલીસે મામલાની ગંભીરતાથી લીધી હતી અને કબ્રસ્તાનમાંથી મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શબ્બીરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ આ મુદ્દા પર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.