ઈઝરાયેલે પેલેસ્ટાઈન પર કરેલા ગેરકાયદે કબજાને દૂર કરવામાં આવે: 124 દેશ પેલેસ્ટાઈનની તરફેણમાં
૧૨૪ દેશોએ પેલેસ્ટાઈન સંબંધિત પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું-જ્યારે ભારત સહિત ૪૩ દેશોએ મતદાનમાં ભાગ જ લીધો ન હતો.
(એજન્સી)લંડન, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પેલેસ્ટાઈન સંબંધિત ઠરાવ પર મતદાન કરવાથી ભારત દૂર રહ્યું. આ ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે, પેલેસ્ટાઈન પર ઈઝરાયેલના ગેરકાયદે કબજાને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવામાં આવે અને તે પણ કોઈપણ વિલંબ વગર ૧૨ મહિનાની અંદર. ભારતે આ પ્રસ્તાવ પર મત આપ્યો ન હતો.
UN Tweets : UN General Assembly adopts resolution demanding that Israel brings to an end its unlawful presence in the Occupied Palestinian Territory without delay and within the next 12 months.
૧૨૪ દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. એટલે કે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, પેલેસ્ટાઈનના કબજે કરેલ વિસ્તાર ખાલી કરવા માટે ઈઝરાયેલને ૧૨૪ દેશે કહી દીધુ છે. અમેરિકા સહિત ૧૪ દેશોએ આ પ્રસ્તાવની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. ઈઝરાયેલ અને અમેરિકાએ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
જ્યારે ભારત સહિત ૪૩ દેશોએ મતદાનમાં ભાગ જ લીધો ન હતો. જ્યારે, જે દેશે મતદાનમાં ભાગ લીધો ન હતો તેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ઇટાલી, નેપાળ, યુક્રેન અને બ્રિટનનો સમાવેશ થાય છે. બુધવારે પસાર કરાયેલા ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે, ઇઝરાયેલ કબજા હેઠળના પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં કોઈપણ વિલંબ વિના અને વર્તમાન ઠરાવને અપનાવ્યાના ૧૨ મહિનાની અંદર તેની ગેરકાયદેસર હાજરી દૂર કરે.
તેમાં એમ પણ કહેવાયું છે કે અધિકૃત પેલેસ્ટાઈન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદાના કોઈપણ ઉલ્લંઘન માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવવું જોઈએ. પેલેસ્ટાઈન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ઠરાવમાં ઈઝરાયેલ સરકાર દ્વારા યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને સંબંધિત યુએન ઠરાવો હેઠળની તેની જવાબદારીઓની અવગણનાની વાત કરવામાં આવી છે અને આ માટે તેની સખત નિંદા કરવામાં આવી છે.