રૂ.૧૮ કરોડના ખર્ચે વી.એસ. સ્મશાનગૃહને યુ.એન.મહેતા ફાઉન્ડેશન ડેવલપ કરશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ર૪ સ્મશાનગૃહ પૈકી અચેર, હાટકેશ્વર, ખોખરા, નરોડા અને વી.એસ. સ્મશાનગૃહનું નવીનિકરણ માટે ઘણા સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી હતી જેને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ પાંચ સ્મશાનગૃહ પૈકી વી.એસ. સ્મશાનગૃહને યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા પીપીપ ધોરણે ડેવલપ કરવામાં આવશે. જયારે અન્ય ચાર સ્મશાનગૃહ મ્યુનિ. કોર્પોરેશન સ્વ ખર્ચે ડેવલપ કરશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પાંચ સ્મશાનગૃહોને ડેવલપ કરવા માટે લગભગ દોઢ વર્ષ અગાઉ અંદાજ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં જમાલપુર માટે રૂ.૮.૪૭ કરોડ, વી.એસ. હોસ્પિટલમાં રૂ.૮.૩૧ કરોડ, અચેર સ્મશાન ગૃહ માટે રૂ.૭.૧૯ કરોડ, હાટકેશ્વર માટે રૂ.૮.૯૦ કરોડ અને નરોડા માટે રૂ.૬.૭૪ કરોડના અંદાજ તૈયાર કરવામાં આવ્યા હતા તથા તે મુજબ ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા હતા.
જે પૈકી જમાલપુર અને નરોડાના ટેન્ડર મંજુરી માટે ઝોન લેવલે મોકલી આપવામાં આવ્યા છે. અચેર અને હાટકેશ્વરના ટેન્ડર સંયુકત રીતે ઈનવાઈટ કરવામાં આવ્યા છે જેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. જયારે વી.એસ. સ્મશાનગૃહના જાહેર થયેલા ટેન્ડરને રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેનું કારણ એ છે કે આ સ્મશાનગૃહ યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવશે. જોકે તેના ડેવલપમેન્ટનો તમામ ખર્ચ યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.
યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા તા. ૧૪.૦૩.૨૪ પત્રથી એલીસબિજ (વી.એસ) સ્મશાનગૃહને પીપીપી(પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ) ધોરણે ડેવલપ કરવા રજુઆત કરી હતી. ત્યારબાદ સદર સંસ્થાને અત્રેથી વધુ વિગતો રજુ કરવા જણાવતા તેઓએ તા.૦૮.૧૦.૨૪ ના પત્રથી છે-આઉટ, એલીવેશન, અંદાજા ખર્ચ રૂ ૧૮,૦૦,૦૯,૦૦૦/- ની વિગતો તથા એમ.ઓ.યુ. રજુ કરેલ છે. જે મુજબ વી.એસ. સ્મશાનગૃહ ૮૧૫૮ ચોરસ મીટર (અંદાજે ૨ એકર) જમીનમાં અસ્તિત્વ ધરાવે છે.જેમાં નવી બિલ્ડીંગો અને લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ સાથે સમગ્ર કેમ્પસને સર્વગ્રાહી રીતે વિકસાવવામાં આવશે.
હાલની સુવિધાને ફરીથી સજ્જ કરવાની અને સોસાયટીની નવી જરૂરિયાત મુજબ તેને અપગ્રેડ કરવામાં આવશે. કેમ્પસને સંપૂર્ણપણે વ્હીલચેર સુલભ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક હવામાનમાં આરામદાયક સુવિધા ઉપલબ્ધ કરાવવા આયોજન છે.
હાલ વૈસ્ટ મેનેજમેન્ટ, સ્મોક મૅનેજમેન્ટ અને સળગાવવાની પ્રક્રિયાને કારણે પ્રતિકુળ વાતાવરણ સર્જાય છે અને હયાત માળખાને થતાં નુકશાન કરે છે.
આવી હાલની સમસ્યાઓનું ધ્યાન રાખી બિલ્ડિંગનું ડીટલ્સમાં પ્લાનિંગ કરવામાં આવેલ છે. હાલની ર્બનિંગ પ્રોસેસને કારણે હાલમાં સુવિધાની આસપાસ અને અંદરના વિસ્તારમાં એક પ્રતિકુળ વાતાવરણ બનાવે છે. નવા સ્મશાનગૃહમાં ૪ સીએનજી સ્મશાન ચેમ્બર અને લાકડાના અંતિમ સંસ્કાર માટે ૬ સુવિધાઓ સાથે નવી ઇમારતો તૈયાર કરવામાં આવશે.
નવા સ્મશાનગૃહમાં ૧ સીએનજી ચેમ્બર વધારી અને ૨ લાકડાના અંતિમ સંસ્કારને ઘટાડ્યા છે જે પુમાડાના પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરશે. કેમ્પસના ઓપરેશન અને મેનેજમેન્ટના કેન્દ્રિય સંચાલન માટે ઓફીસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.