આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે ૮ને અડફેટે લીધા: 3નાં મોત
આણંદ, ગુજરાત માટે બુધવારનો દિવસ બૂંદિયાળ સાબિત થયો છે. આણંદના તારાપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આણંદના તારાપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
જે બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુરની મોટી ચોકડી પર ગત રાત્રે માતેલા સાંઢની માફક આવી ચડેલા ટ્રકે આઠ લોકોને અડફેટે લીધા હતા. મળતી માહિતી મુજબ અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.
આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અમરેલી જિલ્લાના રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત રાત્રીના અઢી વાગ્યાની આસપાસ થયો હોવાનું સામે આવ્યુ છે. તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.SS1MS