Western Times News

Gujarati News

પોક્સો કેસ અંતર્ગત છેલ્લા ૩૨ દિવસમાં રાજ્ય સરકારે ૩૨થી વધુ પરિવારોને અપાવ્યો ન્યાય

પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાંહેધરી અને ગૃહમંત્રીશ્રીએ આપેલું વચન પૂર્ણ કરવા બદલ શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ અને સમગ્ર સાધુ સમાજે માન્યો રાજ્ય સરકારનો આભાર

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી એ જણાવ્યું છે કેગુજરાત રાજ્યની તમામ મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે. દુષ્કર્મોના કેસોમાં નરાધમોને કડકમાં કડક સજા થાય એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક આદેશો આપ્યા છે જેના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે.

મંત્રી શ્રી સંધવી એ ઉમેર્યું કેતાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામે ગોસ્વામી સમાજની બાળકી પર થયેલ દુષ્કર્મના કેસમાં માત્ર ૨૫ દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા ૩૨ દિવસમાં પોક્સોના ૩૨ જેટલાં કેસોમાં નામદાર કોર્ટ દ્રારા ચૂકાદા આપતાં૩૨ પરિવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે.

આજે સ્વર્ણિમ સંકુલ – ૨ ગાંધીનગર ખાતે શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના અધ્યક્ષ શ્રી રોહીતપુરી ગોસાઈ સહિત સાધુ સમાજના આગેવાનો ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની મુલાકાતે આવ્યા હતા અને સમગ્ર સમાજવતી મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

આ મુલાકાત દરમિયાન શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકામાં જે ઘટના બની છે તે ઘટના ખુબ ગંભીર છે. આ ઘટનાથી ગોસ્વામી સમાજ અને ગુજરાતના નાગરિકોમાં રોષ સ્વાભાવિકપણે જોવા મળ્યો હતો. ગુજરાતના નાગરિકોની માંગ હતી કે આવા નરાધમને ઝડપી ફાંસીની સજા થાય તે આજે પૂર્ણ થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે સમાજના અગ્રણીઓ સાથે ધટના બન્યા બાદ રાજકોટમાં મુલાકાત થઇ હતી.

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી હતી. આ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે એફએસએલની મદદ લઇ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી ૨૫ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી.

આ નરાધમને ફાંસીની સજા અપાવવાનું વચન રાજ્ય સરકારે પાળ્યું છે તેમ જણાવી મંત્રીશ્રી એ કહ્યું હતું કેગોસ્વામી સમાજના તમામ કાર્યકરો અને આગેવાનોએ આ કેસ માટે જે સહકાર આપ્યો છે તે માટે હું સર્વે લોકોનો આભાર માનુ છું. આપ સૌ લોકોના સહયોગના કારણે રાજ્ય સરકાર બાળકીને ન્યાય અપાવવા સફળ રહી છે. રાજ્યમાં એકપણ ઘટના ન બને અને જો ઘટના બને તો પરિવારને ઝડપથી ન્યાય મળે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. તેમજ વર્ષોથી ચાલતા દીકરીઓના કેસોમાં તેમને ન્યાય અપાવી મારું કાર્ય રાજ્ય સરકારના મંત્રી તરીકે સિદ્ધ કરી શકું તેવા આશીર્વાદ સાધુ સંતો પાસે માંગ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.