સસ્તું સોનુ આપવાના બહાને ઠગાઈ આચરતી ટોળકી ઝડપાઈ
(એજન્સી)અમદાવાદ, જાે તમને કોઈ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો એ પહેલા ચેતજાે, એસઓજી ક્રાઈમે આવી રીતે સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઈ આચરતી ટોળકીના બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ નક્લી પોલીસ બનીને ગુનો આચરતા હતા.
એક આરોપી પાસે નક્લી નાયબ મામલતદારનું આઈકાર્ડ પણ મળી આવ્યુ હતુ. જાે કે આરોપીઓ રાજ્યમાં અનેક શહેરોમાં ગુના આચરી ચુક્યા છે. આરોપી કિરીટકુમાર અમીન અને ઈશ્વરપુરી ગોસ્વામી છેતરપીંડી કેસમાં વોન્ટેડ હતા. જે બન્ને આરોપીની ધરપકડ કરાઈ છે.
પકડાયેલ બન્ને આરોપી નકલી પોલીસ બનીને અન્ય ટોળકીના સભ્યો સાથે મળી સસ્તું સોનું આપવાના બહાને લોકોને ટાર્ગેટ કરીને ઠગાઇ આચરતા. આ ટોળકીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો ટોળકીના બે-ત્રણ શખ્સો દ્વારા સસ્તું સોનુ આપવાના બહાને વ્યક્તિને સોનુ બતાવે જે બાદ સોનાની અડધી કિંમતમાં સોનુ આપવાના બહાને કોઈક અવાવરું જગ્યાએ વ્યક્તિને બોલાવતા.
જે બાદ વ્યક્તિ સાથે થયેલી ડીલ મુજબ પૈસા લઈને સોનુ આપી દેતા. તે સમયે જ નકલી પોલીસ બનીને પકડાયેલ બન્ને આરોપી આવતા અને પોલીસનો ડર બતાવીને ડરાવી ધમકાવીને પૈસા અને સોનુ લઈને જતા રહેતા હતા. આવી જ રીતે ચારથી પાંચ લોકો નકલી પોલીસ બનીને આવતા હતા.
ત્યારે વલસાડના ધમરપુર અને અમદાવાદ ગ્રામ્યના કેરાલા જીઆઇડીસીમાં આ રીતે છેતરપિંડી આચરી હતી.પકડાયેલ બન્ને આરોપીઓ છેલ્લા ૩ વર્ષથી નાસ્તા ફરતા હતા. એસઓજી ક્રાઇમની ટીમને બાતમી મળતા જ બન્ને આરોપીની ધરપકડ કરી છે.