Western Times News

Gujarati News

ઘરે અગાશીમાં સોલાર પેનલ લગાવતાં પહેલા આટલું જાણો

File

ઘરનું ઈલેક્ટ્રીક બીલનો ખર્ચો બચાવવા માટે સોલાર પેનલ ઘરની છત કે અગાશી પર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. હાલમાં ગુજરાત સરકાર પણ સોલાર પેનલ લગાવવા માટે સબસીડી આપી રહી છે. પરંતુ સોલાર પેનલ લગાવતા પહેલા નીચે મુજબની વસ્તુઓ જાણી લેવી જરૂરી છે.

ઘર માટે સોલાર પેનલ 3.30 અને 4.29 કિલોવોટ અને જો ઘરની જરૂરીયાત વધુ હોય તો વધારે કિલો વોટની લગાવી શકાય છે.

એક સોલાર પેનલની સાઈઝ 6 ફૂટ બાય 3 ફૂટ હોય છે એટલે કે અગાસીમાં 18 સ્કેવેર ફૂટ જેટલી જગ્યા રોકે છે. આવી દસ પેનલ લગાવવામાં આવે તો 3.30 કિલોવોટ વિજળી પેદા થાય છે. એક પેનલ 330 વોટ વિજળી પેદા કરી શકે છે એટલે કે 10 પેનલ 3300 વોટ એટલે કે 3.30 કિલો વોટ વિજળી જનરેટ કરે છે.

3.30 કિલોવોટ સોલાર પેનલ લગાવવા માટે 10 પેનલ લગાડવી પડે છે.  એટલે કે 180 સ્કે. ફૂટ જગ્યા વપરાય છે. આ પેનલ લગભગ 13 થી 15 યુનિટ ઉનાળાના દિવસ દરમ્યાન જનરેટ કરે છે. જયારે વરસાદ અને શિયાળામાં ઓછાે તડકો હોય ત્યારે 8 થી 10 યુનિટ જનરેટ કરે છે.  હાલમાં બજારમાં મળતી સોલાર પેનલ અદાણી, વિક્રમ, સુકેમ તેમજ અન્ય કંપનીઓમાં બજારમાં મળે છે જે પેનલની 10 થી 25 વર્ષની ગેરેંટી હોય છે. આ પેનલને જેટલી સાફ રાખવામાં આવે તેટલી વિજળી વધુ પેદા થાય છે. પેનલ તૂટી જાય કે નુકશાન થાય તેની કોઈ ગેરેંટી હોતી નથી. સોલાર પેનલ 85 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરી શકે છે.

હવે સમજીએ કે જો તમારૂં ઈલેકટ્રીકનું બીલ દર મહિને 5000 રૂ. આવે છે. ઘરમાં 2 એસી, 2 બાથરૂમ ગીઝર, ફ્રીઝ, માઈક્રોવેવ અને અન્ય ઉપકરણો તમે વાપરો છો તો દર મહિને લગભગ 700 યુનિટ વપરાશ છે એટલે એક યુનિટના આશરે 7 રૂપિયા પ્રમાણે 5000 રૂપિયા જેટલું બિલ તમે દર મહિને ચુકવો છે.

એટલે તમારે 700 યુનિટ જનરેટ કરવા માટે જો 3.30 કિલો વોટની સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવો તો દરરોજના 15 યુનિટ પ્રમાણે 450 યુનિટ જનરેટ થાય અને તમારે માત્ર 250 યુનિટની જ ચૂકવણી કરવાની રહેશે. 3.30 કિલોવોટ લગાવવા માટે સરકાર દ્વારા 40 ટકા સબસીડી આપવામાં આવે છે. 

હવે જો તમે 4.29 કિલોવોટની પેનલ ઈન્સ્ટોલ કરાવો તો 13 સોલાર પેનલ લગાવવામાં આવે છે જેના પર 20 ટકા સબસિડી આપવામાં આવે છે. જે લગભગ 20 થી 25 યુનિટ જનરેટ કરે છે. એટલે કે દર મહિને 600 યુનિટ જનરેટ થાય છે. એટલે જો તમારે મહિને 700 યુનિટનો વપરાશ હોય તો મહિને 600 યુનિટ 4.29kw ની સોલાર પેનલ જનરેટ કરે છે. એટલે દર મહિને માત્ર 100 યુનિટના જ રૂપિયા તમારે ઈલેક્ટ્રીસીટી સપ્લાય કરતી કંપનીને ભરવાના રહે છે.

સોલાર પેનલથી કેબલ ઈનવર્ટરમાં થઈને સોલાર મીટરમાં જાય છે અને સોલાર મીટરમાંથી જીઈબી કે ટોરેન્ટના મીટરમાં કેબલ જાય છે. સોલાર પેનલમાં કેટલા યુનિટ પાવર જનરેટ થયો તે જાણી શકાય છે. શિયાળા અને ચોમાસાની સિઝનમાં સોલાર પાવર યુનિટ ઓછા જનરેટ કરે છે અને બીજી બાજુ આ સિઝનમાં એસીનો વપરાશ પણ ઓછો હોય છે. તેથી બિલની ચૂકવણીમાં કોઈ વધુ ફરક જોવા મળતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.