મહારાષ્ટ્રમાં બેરોજગાર યુવાનોને દર મહિને 10 હજાર સુધી ભથ્થુ મળશે
મુખ્યમંત્રી શિંદેએ લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરી
(એજન્સી)મુંબઈ, મધ્ય પ્રદેશમાં જે રીતે લાડલી બહેન યોજનાએ ધૂમ મચાવી અને તે યોજના મહારાષ્ટ્રમાં પણ મહિલાઓ માટે લાવવામાં આવી ત્યારે વિપક્ષ નેતા ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર બેરોજગાર પુરુષો પર ધ્યાન ન આપતા હોવાનો મુદ્દો ઉછાળીને સરકારને ઘેરી હતી.
હવે મહારાષ્ટ્રમાં બેરોજગાર યુવાઓને દર મહિને બેરોજગારી ભથ્થું આપશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હવે ‘લાડલા ભાઈ યોજના’ની જાહેરાત કરી છે. જે હેઠળ બેરોજગાર યુવાઓને દર મહિને એક નિશ્ચિત રકમનું ભથ્થું મળશે.
આ ભથ્થું એજ્યુકેશન પ્રમાણે આપવામાં આવશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ વાતની જાણકારી અષાઢી એકાદશીના અવસરે પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં મહાપૂજા બાદ કરી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે ૧૨મું પાસ બેરોજગાર યુવાને દર મહિને ૬ હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે ડિપ્લોમાધારક યુવાને દર મહિને ૮૦૦૦ રૂપિયા આપવામાં આવશે અને ગ્રેજ્યુએટ બેરોજગારોને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે.
આ ભથ્થું યુવાઓને અપ્રેન્ટિસશીપ હેઠળ મળશે. યુવાઓને એક વર્ષ સુધી કોઈ ફેક્ટરીમાં અપ્રેન્ટિસશીપ કરવાની તક આપવામાં આવશે. આ માટે યુવાઓને ફેક્ટરીઓમાં અપ્રેન્ટિસશીપ કરવા બદલ રાજ્ય સરકાર પૈસા આપશે.
શિંદેએ કહ્યું કે લાડલા ભાઈ યોજના હેઠળ અમારી સરકાર યુવાઓને રોજગાર સાથે જોડવાની કોશિશ કરશે. આ યુવાઓ ફેક્ટરીઓમાં કામ કરશે અને પછી તેમને પૈસા મળશે. જે અનુભવ મળશે અને તે અનુભવના આધારે તેમને નોકરી પણ મળી જશે. અત્રે જણાવવાનું કે ઈતિહાસમાં પહેલીવાર બેરોજગારીનું સમાધાન શોધવા માટે કોઈ સરકારે આવી યોજના રજૂ કરી છે.