ઇથેનોલ પ્લાન્ટ દક્ષિણ ગુજરાતના શેરડી અને ખાંડ સાથે જોડાયેલા સહકારી એકમોને લાભ થશે
હજીરા સ્થિત કૃભકો ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સહકારિતા સંમેલન યોજાયું: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ -કૃભકોના બાયો ઇથેનોલ પ્લાન્ટમાં દૈનિક ૨.૫૦ લાખ લીટર ઈથેનોલનું ઉત્પાદન થશે:
કેન્દ્રીય ગૃહ, સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુરતના કૃભકો હજીરા ખાતે રૂ.૩૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત
દેશમાં ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોજેક્ટના કારણે મકાઈ-શેરડી-ડાંગર પકવતા ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલી જશે: ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ:
પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણથી દેશની તિજોરીને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧ લાખ કરોડનો ફાયદો થશે: ઈથેનોલ મિશ્રણના કારણે તેલની આયાતમાં રૂ. ૪૬૦૦૦ કરોડની બચત થઈ
ઓર્ગેનિક ઉત્પાદનોના માર્કેટિંગ અને વેચાણ માટે રાષ્ટ્રીય સ્તરની સંસ્થા બનાવાશે-સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન અને ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ માટે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું નિર્માણ કરાશે. કૃભકો દેશના સામાન્ય ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતી સહકારી સંસ્થા: :-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના હજીરા સ્થિત કૃભકો(કૃષકભારતી કો-ઓપ.લિ.)ના રૂ.૩૫૦ કરોડના ખર્ચે પ્રતિદિન ૨.૫૦ લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે, ઈથેનોલ મિશ્રણના કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં રૂ. ૪૬૦૦૦ કરોડની બચત થઈ છે, જેનો સીધો અર્થ એ છે કે શેરડી, મકાઈ, ડાંગર જેવા પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોના પરિશ્રમના પરિપાકરૂપે આ રૂ. ૪૬૦૦૦ કરોડની રકમ તેમના સુધી પહોંચી છે.
સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન અને ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ માટે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું નિર્માણ કરાશે એવી પણ ગૃહમંત્રીશ્રીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી.
આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત આમ્રપાલી ઓપન એર થિએટર, કૃભકો ટાઉનશીપ ખાતે આયોજિત સહકારિતા સંમેલન સહ કૃભકોના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટના ખાતમુહુર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોજેક્ટના કારણે ખેડૂતો પાસેથી મોટા પાયે મકાઈની ખરીદી કરવામાં આવશે, જે તેમના માટે આવકના નવા રસ્તા ખોલશે, તેમજ મકાઈ, શેરડી, ડાંગર પકવતા ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલી જશે.
વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ સંમિશ્રિત કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે, અને પાંચ માસ પહેલાં જ અડધો લક્ષ્યાંક એટલે કે ૧૦ ટકા ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે એમ જણાવતાં ગૃહમંત્રીશ્રીએ પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણથી દેશની તિજોરીને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧ લાખ કરોડનો ફાયદો થશે એમ સ્પષ્ટપણે ઉમેર્યું હતું.
દેશના ગરીબ, પીડિત, વંચિત, શોષિત, દલિત, પછાત સમુદાયને મુખ્ય ધારામાં લાવવાનું એક માત્ર માધ્યમ સહકારી ક્ષેત્ર છે એમ જણાવી ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે દેશના સહકારી સંસ્થાનો, ઉદ્યોગોને સસ્ટેનેબલ અને પ્રોડક્ટિવ બનાવવા માટે સતત કામ થઈ રહ્યું છે.
બાયોફ્યૂઅલમાં ભારત વિશ્વમાં મહત્વનું સ્થાન પામી રહ્યું છે એનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય સહકાર મંત્રીશ્રીએ કહ્યું કે, સ્વચ્છતા અને આત્મનિર્ભરતાની સાથે વેસ્ટ એટલે કે કચરાનો પણ મહત્વપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે. આજે દેશમાં રિસાઈકલિંગને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આવા જ પ્રયાસોમાં બાયો ઈથેનોલનું પણ નામ જોડાયું છે. તેનાથી અનેક સામાન્ય ખેડૂત પરિવારોને આર્થિક ફાયદો થવા સાથે ફ્યુઅલ સેકટરમાં અન્ય દેશો પર નિર્ભર રહેવું નહીં પડે અને દેશના અર્થતંત્રમાં નવી ઊર્જા, નવી ગતિનો સંચાર થશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ફ્યુઅલના વધુ પડતા વપરાશથી ક્રુડ ઓઇલની આયાત થકી મોટું વિદેશી હુંડિયામણ ચુકવવું પડે છે અને અર્થતંત્ર પણ અસર પડે છે, સાથોસાથ ઔદ્યોગિક વિકાસના કારણે સતત વધતા ઇંધણના ઉપયોગથી પર્યાવરણ પર પણ વિપરીત અસર થઈ
રહી છે.
કૃભકોના હજીરા પ્લાન્ટમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોજેક્ટ ઇંધણમાં આત્મનિર્ભરતાના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બનશે એવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
કૃભકો જેવી પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાના નવતર આયામને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતને આ પ્લાન્ટ ઈકોફ્રેન્ડલી પ્રોજેક્ટ વિકાસની નવી દિશા તરફ દોરી જશે.
વડાપ્રધાનશ્રીએ “સહકારથી સમૃદ્ધિ”ના મંત્ર સાથે દેશના સહકારી માળખાને નવી ઉર્જા પ્રદાન કરવા દેશમાં પહેલીવાર સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે, જે દેશને પાંચ ટ્રીલિયન ડોલર ઈકોનોમી બનાવવામાં પણ મહત્વનું યોગદાન આપશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ દીર્ઘદ્રષ્ટિયુક્ત વિઝન બદલ કૃભકો પરિવારને અભિનંદન આપતા વધુમાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટમાંથી ઇથેનોલ મેળવ્યા બાદ વાર્ષિક આશરે ૩૬ હજાર મેટ્રિક ટન જેટલો પૂરક પશુઆહાર પણ મળશે, જે પશુઓ, માછલી અને મરઘાના ખોરાકની માંગને પૂરી કરશે અને ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂતી આપશે. હજીરામાં આ પ્લાન્ટ શરૂ થતા દક્ષિણ ગુજરાતના શેરડી અને ખાંડ સાથે જોડાયેલા સહકારી એકમો માટે લાભદાયી થશે.
આ પ્રસંગે કેન્દ્રિય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, કૃભકો અને આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન એશિયા પેસેફિકના અધ્યક્ષ ડો.ચંદ્રપાલ સિંહ, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ સંઘ લિ.(નાફેડ)ના અધ્યક્ષ અને કૃભકોના નિદેશક શ્રી ડો.બિજેન્દ્ર સિંહ અને કૃભકોના ઉપાધ્યક્ષ શ્રી વી. સુધાકર ચૌધરી, સહિત કેન્દ્ર-રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.