Western Times News

Gujarati News

મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લઈ શિલ્પકૃતિઓથી કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી અભિભૂત થયાં

આંતરરાષ્ટ્રીય વર્લ્ડ મ્યુઝિયમ-ડે ના દિવસે વડનગરના ઐતિહાસિક સ્થળો અને આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટની મુલાકાત લઇ કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીશ્રી મીનાક્ષી લેખી અભિભૂત થયાં

મહેસાણા વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા અને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાના નિર્ધાર સાથે, મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી વિભાગ

અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય સૌ પ્રથમવાર વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨ યોજાઇ રહી છે.જેના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા બાદ, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીશ્રી મીનાક્ષી લેખીએ ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી હતી. Union Culture Minister Meenakshi Lekhi visited Vadnagar Gujarat

આંતરરાષ્ટ્રીય વર્લ્ડ મ્યુઝિયમ-ડે, તા.૧૮મી મે થી શરૂ થયેલી આ કોન્ફરન્સ ત્રણ દિવસ ચાલવાની છે.. આ કોન્ફરન્સના ભાગ રૂપે વડનગરની મુલાકાત દરમિયાન મીનાક્ષી લેખીએ વડનગરનાં કીર્તિ તોરણ, પ્રેરણા સ્કુલ, આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટ,ઉત્ખનન સાઇટ,

રેલવે સ્ટેશનની પ્રધાનમંત્રીશ્રીના બાળપણની યાદ એવી ચાની કીટલી સહિતનાં વિવિધ સ્થળોની મુલાકાત લઇને ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે ઉત્ખનનની વિવિધ સાઇટ પર પગપાળાં જઇને માહિતી મેળવી હતી.

વડનગરમાં 15 હજારથી વધુ ચોરસવાર જમીન ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનવાનું છે.હાલ આ મ્યુઝિયમ સાઇટ ઉપર વડનગરના આજુબાજુના 332 શ્રમિકો ખોદકામ અને ઉત્ખનન કરીને રોજગારી મેળવી રહ્યા છે.આ તમામ શ્રમિકોના ખાતામાં ડી.બી.ટીથી નાણાં ચૂકવામાં આવે છે.

છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન શંખચૂડી,અલગ અલગ ડિઝાઇના ઠીકરાં,માટીનાં રમકડાં,પેન્ડેન્ટ અને સીલીંગ મળી આવ્યા છે. વડનગરમાં આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2014થી જુદી જુદી અઢાર જગ્યાએ ખોદકામ ચાલું રહ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વસ્તુઓના અવશેષો મળી આવ્યા હોવાની વિગતો સહાયક પુરાતત્તવવિદ અનન્યા ચક્રવર્તીએ આપી હતી.

કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીશ્રી મીનાક્ષી લેખીએ ઐતિહાસિક સ્થળોને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરવા માટે ગાંધીનગર ખાતે યોજાઇ રહેલી કોન્ફરન્સ અત્યંત મહત્ત્વની પુરવાર થશે તેમ જણાવી, ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીનાં જન્મ સ્થળની મુલાકાત લઇ મને ખૂબ આનંદ થયો છે.વર્લ્ડ મ્યુઝિયમ ડેના દિવસે જ આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટની મુલાકાતથી હું અભિભૂત થઇ છું.

તેમણે શિલ્પ,સ્થાપત્ય અને કલાના ત્રિવેણી સંગમ એવા એક હજાર વર્ષ જૂનાં વિશ્વ વિખ્યાત મોઢેરાનાં સૂર્યમંદિરની મુલાકાત લઇ,બારીકાઇપુર્વક વિવિધ શિલ્પોનું નિરીક્ષણ કરી, મોઢેરાના ગાઇડ ગિરીશ ગોસ્વામી પાસેથી ઇતિહાસ અને સંસ્કૃતિની રસપૂર્વક જાણકારી મેળવી હતી.

આ મુલાકાત વેળાએ તેમની સાથે દિલ્હીમાં કેન્દ્રની ફ્લેગશીપ યોજનાઓના અમલીકરણના ગુજરાતના નોડલ અધિકારી તરીકે કાર્યરત સુશ્રી નિલમ રાની,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના વડોદરા સર્કલના સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર્કિયોલોજી શ્રી સુબ્રમણ્યમ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર એસ.ડી.ગિલવા અને મહેસાણાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.