Western Times News

Gujarati News

ધારાસભ્યો ફોડવાના મામલે કેન્દ્રીય મંત્રી શેખાવતને નોટિસ

ગત સપ્તાહે કોંગ્રેસે ત્રણ ઓડિયો ક્લિપ બહાર પાડી હતી જેમાં રાજસ્થાન સરકારને પાડી દેવાની વાત થઈ રહી હતી
નવી દિલ્હી,  કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને જોધપુરના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતને રાજસ્થાન એસઓજીએ ધારાસભ્યોને ફોડવાના કેસમાં નોટિસ બજાવી છે. બીજી તરફ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર આરોપ મૂકતાં શેખાવતે કહ્યું કે, મુખ્યમંત્રી તેમના સાથે લોકસભામાં પોતાના દીકરાની હારનો બદલો લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં શેખાવતે જોધપુર બેઠક પર મુખ્યમંત્રી ગેહલોતના દીકરા અને કોંગ્રેસના ઉમેદવાર વૈભવને આશરે ૨.૭ લાખ મતથી હરાવ્યો હતો.

ગત સપ્તાહે કોંગ્રેસે ત્રણ ઓડિયો ક્લિપ બહાર પાડી હતી જેમાં રાજસ્થાનની અશોક ગેહલોત સરકારને પાડી દેવાની વાતચીત થઈ રહી હતી. ઓડિયો ક્લિપમાં જે ત્રણ લોકોના અવાજ સંભળાઈ રહ્યા હતા તેમાંથી એક શેખાવત હોવાનો તેમના પર આરોપ છે. તે સિવાય ક્લિપમાં બે અન્ય અવાજ કોંગ્રેસના ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને ભાજપના ધારાસભ્ય સંજય જૈનના હોવાનું માનવામાં આવે છે અને ત્યાર બાદ આ મામલે બે એફઆઈઆર નોંધાવાઈ હતી.

કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે આ રેકોર્ડિંગના સ્ત્રોત સંદિગ્ધ છે. તેમના મતે રાજસ્થાનમાં ધારાસભ્યોના સંભવિત વિદ્રોહને નિષ્ફળ બનાવવા અને જયપુરની ફેયરમોન્ટ હોટેલમાં રોકાયેલા કોંગ્રેસી ધારાસભ્યોના મનમાં ભય પેદા કરવા માટે તેમના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે રાજસ્થાન સરકારે આ મામલે કોઈ તપાસ નથી કરી કે તે ઓડિયો સોશિયલ મીડિયા પર કેવી રીતે અને ક્યાંથી આવ્યો કે પછી કોણે રેકોર્ડ કર્યો. શેખાવતના કહેવા પ્રમાણે ક્લિપની સત્યતા, પ્રામાણિકતા કે તેના સ્ત્રોતની પણ પૃષ્ટિ કર્યા વગર મુખ્યમંત્રી ગેહલોતે ૨૦૧૯માં તેમના દીકરાને જે હાર મળેલી તેનો બદલો લેવા માટે પોલીસને નિવેદન અને અવાજ રેકોર્ડ કરવા મોકલી. શેખાવતે જણાવ્યું કે તેઓ પોતાના ધારાસભ્યોને સંદેશો આપવા માંગે છે કે જો તેઓ કેન્દ્રીય મંત્રી સાથે આવું કરી શકે તો તેમના સાથે પણ આવું જ બની શકે છે.

બે વખત સાંસદ રહી ચુકેલા શેખાવતે કરેલા ખુલાસા પ્રમાણે મુખ્યમંત્રી ગેહલોતે બે દિવસ પહેલા રાત્રે બે વાગ્યે રાજસ્થાન પોલીસને તેમના દિલ્હી ખાતેના ઘરે મોકલી હતી પરંતુ તેઓ પુછપરછ બાદ દરવાજેથી પાછા વળી ગયા હતા. શેખાવતના કહેવા પ્રમાણે રાજસ્થાનમાં કોંગ્રેસના આંતરિક ક્લેષ અંગેનું તેમનું વલણ ૨૦૧૮ની રાજ્ય ચૂંટણીઓ અને તેના પહેલાથી જ સમાન રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.