અનોખું કેફેઃ ચા-નાસ્તો કરો ને સાપ વીંછી સાથો રમો !
કુઆલાલુમ્પુરના સીમાડે આવેલા આ કેફેમાં સરિસૃપો સ્થાનિક વિસ્તારમાં જાેવા મળતા હોય એ રીતે જ રાખવામાં આવ્યા છે. આ કેફેની મુલાકાત લેનારાઓમાં બાળકોની સંખ્યા વધુ હોય છે
સામાન્ય રીતે ચા કે કોફી કે નાસ્તો પીરસે એવા સ્થળને આપણે કેફે તરીકે ઓળખીએ છીએ. ત્યારે ચા-નાસ્તો માટે નહીં પણ સરિસૃપો સાથે રમવા માટે બધા ભેગા થાય એવું કેફે હોય એવું કોઈ કહે તો આશ્ચર્ય જરૂર થાય. પરંતુ દુનિયા આખીમાં જાણીતું થઈ ગયેલું એવું કેફે મલેશિયામાં શરૂ થયું છે. એ ખરું કે આપણે તો કેફે એટલે સામાન્ય રીતે ચા કે કોફી પીરસે એવું સ્થળ હોવાનું આપણી સાદી સમજ છે. ખાસ કરીને બજારમાં કે હાઈ-વે પર આ પ્રકારનું કેફે હોય. જેથી પ્રવાસીઓ એમાં થોડું રોકાઈને ફ્રેશ થઇ આગળનો પ્રવાસ કરતા હોય છે. ઘણી વખત પરિવાર સાથે પણ લોકો સમય ગાળવા માટે કેફેમાં પહોંચી જતા હોય છે, પરંતુ મલેશિયામાં શરૂ થયેલું આ કેફે આ સામાન્ય વ્યાખ્યા કરતાં સાવ જુદું છે.
મલેશિયાના યાપ મિંગ યાંગને સરિસૃપો સાથે ઘણો લગાવ છે. માનવી પ્રાણી સાથે ઘરોબો રાખે એ વાત સામાન્ય છે. ઘણા લોકો શ્વાન પાળે છે, તો કેટલાંક પોપટના પણ દીવાના હોય છે. હવે તો વિદેશી અનેક પક્ષી-પ્રાણીઓ આપણે ત્યાં મળતાં થયાં છે. તેને કારણે સ્વાભાવિક છે કે હવે લોકોની રુચિ ફક્ત શ્વાન કે પોપટ પૂરતી સીમિત થઇ નથી. હવે લોકો કાચબા કે સાપ કે બીજા સરિસૃપો પણ પાળતા થયા છે. આજે કેટલાંય પક્ષીઓ કે પ્રાણીઓ નામશેષ થઇ ગયાં છે. સ્વાભાવિક છે કે તેમના કુદરતી આવાસ છિનવાઈ ગયા છે, તો કેટલાયનો શિકાર એટલો મોટા પાયે થયો કે તેઓ નામશેષ થઇ ગયાં છે. આ સંજાેગોમાં કેટલીય પ્રજાતિ તો ફક્ત ચિત્રમાં જ જાેઈને સંતોષ માનવો પડે એવો સમય થઇ ગયો છે. તેમના સંવર્ધન માટે પ્રયાસ થયા છે, પરંતુ એ પ્રયાસો થાય, સિંહ કે ચિત્તા જેવાં જાણીતાં પ્રાણીઓ પૂરતા જ સીમિત છે. એ સિવાય કેટલાય જીવો એવા છે, જેઓ તો સામાન્ય પ્રજાના પરિચયમાં આવ્યા વિના જ નામશેષ થઇ ગયા છે.
કેટલાકને વળી સરિસૃપો પ્રતિ પ્રેમ જરૂર હોય, પણ તેને પાળવાની પળોજણમાં તેઓ પડતા નથી. એ કારણે એવા લોકો પણ સાપ કે ગરોળી કે વીંછી જેવા પ્રાણીઓની સાથે લોકો સમય વિતાવી શકે એ માટે યાપ મિંગ યાંગે એક કેફે શરૂ કર્યું છે. મલેશિયાનું આ પહેલું રેપ્ટાઈલ કેફે છે. લોકો આ કેફેમાં આવીને ચા-નાસ્તો કરવા સાથે સાથે સાપ કે ગરોળી જેવાં પ્રાણીઓ સાથે સમય વીતાવવાનું પણ પસંદ કરે છે. બિલાડી અને શ્વાન કે કોઈ પક્ષી ઘરમાં પાળનારા લોકો તેને ઘરના એક સભ્ય જેવો જ પ્રેમ કરતાં હોય છે. એવો જ પ્રેમ લોકો સરિસૃપોને કરશે એવું યાપ માને છે. આ કેફેમાં ફક્ત સાપ કે ગરોળી જ નહીં પણ કેટલીક દુર્લભ પ્રજાતિના સરિસૃપો પણ રાખવામાં આવ્યા છે. વીયર્ડેડ ડ્રેગન, લેપર્ડ ગેકો અને કોર્ન સ્નેકને કાચના જારમાં રાખવામાં આવ્યાં છે.
કુઆલાલુમ્પુરના સીમાડે આવેલા આ કેફેમાં સરિસૃપો સ્થાનિક વિસ્તારમાં જાેવા મળતા હોય એ રીતે જ રાખવામાં આવ્યા છે. આ કેફેની મુલાકાત લેનારાઓમાં બાળકોની સંખ્યા વધુ હોય છે. હવે બાળકોનો ઉછેર બદલાયો છે અને શહેરની વ્યાખ્યામાં પ્રકૃતિ તો સાવ દૂર જ થઇ ગઇ છે, ત્યારે બાળકો અહીં આવીને વિવિધ સરિસૃપો સાથે રમતાં જાેવા મળે છે. એ સાથે જ તેમને સરિસૃપોની વિવિધ પ્રજાતિને જાેવાની જ નહીં તેને ઓળખવાની તક પણ મળે છે. તેઓ અહીં હાથમાં રાખીને તેની સાથે રમી પણ શકે છે. તેથી સાપ જેવાં પ્રાણીઓ પ્રતિ રહેતો ડર પણ દૂર થઇ જતો હોય છે.
યાદ રહે કે એમેઝોનની જેમ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જૈવવૈવિધ્ય વધુ છે, પરંતુ વન્યજીવોની ગેરકાયદે દાણચોરી થતી હોય છે. અનેક શિકારીઓ તેના ઊંચા દામ મેળવતા હોય છે, તે કારણે દાણચોરીનું પ્રમાણ વધી ગયું છે. આ સંજાેગોમાં પર્યાવણ વિજ્ઞાનનો અભ્યાસ કરનારા યાપે આ કેફે શરૂ કરવાનું વિચાર્યું હતું કે જેથી નવી પેઢી આ પ્રજાતિ અંગે જાણકારી મેળવી શકે, તેને ઓળખી શકે. જાેકે એ પણ યાદ રહે કે આજે કેટલાંય પ્રાણીઓ નામશેષ થઇ ગયાં છે, ત્યારે આવા કેફે દ્વારા સ્થાનિક સરિસૃપોને જાણવા માટે ઉપયોગી થઇ પડશે.