ગુજરાત યુનિ. હોસ્ટેલમાં મારામારી બાદ વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરાયા
પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા
(એજન્સી)અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલમાં શનિવારે રાતના સમયે બહાર નમાઝ અદા કરવા બાબતે થયેલા સામાન્ય ઝઘડાએ ગંભીર સ્વરૂપ લીઘું હતું. જેમાં ૨૦થી ૨૫ યુવકોના ટોળાએ હોસ્ટેલમાં પથ્થરમારો કર્યા બાદ વાહનોમાં તોડફોડ કરી હતી. જેમાં ચાર વિદેશી યુવકોને પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી હતી.
જેમાં વાયરલ વીડિયાને આધારે સાત જેટલા લોકોની ઓળખ કરીને તોડફોડ કરનાર બે યુવકોને ઝડપી લીધા હતા. ત્યારે આજે વધુ ત્રણ યુવકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
અમદાવાદ પોલીસ દ્વારા હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે વધુ ત્રણ આરોપીઓમાં ક્ષિતીજ પાંડે, જીતેન્દ્ર પટેલ અને સાહીલ દુધતીઉઆની ધરપકડ કરી છે. આ મામલાની વધુ તપાસ ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં આઈસીસીઆર (ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ) હેઠળ મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. દર વર્ષે આઈસીસીઆર હેઠળ ગુજરાત યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓ ફાળવાય છે પરંતુ અત્યાર સુધી વિદેશી વિદ્યાર્થીઓ માટેની અલગ હોસ્ટેલ વ્યવસ્થા ન હતી.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણાં સમયથી એનઆરઆઈ હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલતી હતી અને એનઆરઆઈ હોસ્ટેલ બની ગયાને પણ ઘણો સમય થઈ ગયો હતો.
પરંતુ હોસ્ટેલમાં ફાયર એનઓસી જ ન હોવાથી વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં મોકલવામા આવ્યા ન હતા. આ ઉપરાંત છેલ્લા ઘણાં સમયથી હોસ્ટેલમાં વોર્ડન પણ ન હતા. જોકે, આ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરી દીધા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ૩૦૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકન ખંડના દેશોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ મામલે વીસી નીરજા ગુપ્તાએ કહ્યું હતું કે, ‘શનિવારે રાત્રે એ-બ્લોક હોસ્ટેલના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ હોસ્ટેલમાં ૭૫ વિદેશી વિદ્યાર્થીઓ રહેતા હતા.’
નોંધનીય છે કે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢવા અંગે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં વિદેશના વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના પણ થઈ છે. સમગ્ર ઘટનાના અમુક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના એક જૂથનું કહેવું છે કે નમાઝ કરતાં સમયે એક ટોળું આવ્યું અને નારા લગાવીને મારામારી કરી.
જ્યારે સામે પક્ષે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નમાઝ પઢવા અંગે ગાર્ડને પૂછપરછ કરવામાં આવી રહી હતી એવામાં જ એક વિદેશી વિદ્યાર્થીએ પહેલા લાફો માર્યો, જે બાદ ઘર્ષણ થયું હતું.