ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીઃ ખેડૂત વિભાગમાં ૯૮.૫%, વેપારી વિભાગમાં ૯૭% મતદાન

ઊંઝા , ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી ઊંઝા એપીએમસીની આજે સોમવારે ખેડૂત અને વેપારી વિભાગની ચૂંટણી યોજાઈ હતી. વેપારી વિભાગની ચાર અને ખેડૂત વિભાગની ૧૦ મળી ૧૪ બેઠકો માટે મેદાને રહેલા ૩૬ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું હતું. જેનું આજે સવારે પરિણામ આવશે.
ઊંઝા એપીએમસી ખાતે આજે સવારે ૯ કલાકે મતગણતરી હાથ ધરાશે. ખેડૂત વિભાગમાં કુલ ૨૬૧ પૈકી ૨૫૮ મતદારોએ મતદાન કર્યું હતું જ્યારે વેપારી વિભાગમાં ૮૦૫ પૈકી ૭૮૨ મતદારોએ મતદાન કર્યું હતું. સવારે મતદાન શરૂ થતાં ખેડૂત અને વેપારી વિભાગમાં મતદાન કરવા લાંબી લાઈનો લાગી હતી.
સાંજે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયુ હતું. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇ આજે સવારે ૯ વાગે મતદાન શરૂ થયુ હતું. જેને લઇ મતદાન કરવા લાંબી કતારો જોવા મળી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત એપીએમસી સંકૂલ ખાતે ગોઠવાયો હતો.
ઊંઝા એપીએમસીની ચૂટણીમાં કુલ ૧૪ બેઠકો માટે ૩૬ ઉમેદવારો મેદાને જંગમાં છે. જેમાં ખેડૂત વિભાગમાં ૧૦ બેઠકો માટે ૨૦ ઉમેદવારો અને વેપારી વિભાગમાં ૪ બેઠકો માટે ૧૬ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. સાંજે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયુ હતું. જેને લઈ મતપેટીઓ બંદોબસ્ત સાથે ટ્રેઝરી ઓફિસ ખાતે લઈ જવામાં આવી હતી.
મહેસાણા સાંસદ હરિભાઇ પટેલ પણ સુણોક મંડળીનાં સદસ્ય હોઇ મત આપવા માટે ઊંઝા ખાતે આવ્યા હતા. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ જૂથ વચ્ચે જંગ જામ્યો છે.
આ ઉપરાંત ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ પણ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારી વિભાગમાં ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેડ વાળી પેનલ તૂટે તેવી સંભાવના વેપારી વર્ગમાં ચર્ચાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ખરીદ વેચાણ સંઘમાં ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ બિનહરીફ બન્યા હતા. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલએ જણાવ્યું હતું કે, ઊંઝા એપીએમસીમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે. આ વખતે પણ ચૂંટણી યોજાઇ રહી છે અને રાબેતા મુજબ મતદાન થઇ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપેલું છે તેવા ઉમેદવારો વિજયી બનશે.SS1MS