Western Times News

Gujarati News

ઉંઝામાં રેલવે ટર્મિનલ બનવાથી 20 કલાક બાયરોડનું અંતર 10 કલાક થશે

ઊંઝા ટર્મિનલ પરથી જીરું, ઈસબગુલ અને અન્ય મસાલા ભરેલી કન્ટેનર ટ્રેનને મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ 10 કલાકમાં પહોંચી જશે.

ઊંઝા થી ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લૂસિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ECRT) ઉદ્ઘાટન -કૃષિ મંત્રી, ગુજરાત સરકારે ઊંઝા થી એક્સક્લૂસિવ કન્ટેનર રેલ ટ્રેનને હરી ઝંડી આપી રવાના કરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ઊંઝા ખાતે 26 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લૂસિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ECRT) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉંઝાથી મુંદ્રા પોર્ટ સુધી બાય રોડ પહોંચતા લગભગ 20 કલાક લાગે છે જે રેલવે ટર્મિનલ ચાલુ થતાં 10 કલાક જેટલો એટલે કે અડધો થઈ જશે.

આ ઐતિહાસિક પ્રસંગે, ગુજરાત સરકારના માનનીય કૃષિ, પશુપાલન, ગૌ-પાલન, માછીમારી, ગ્રામિણ આવાસ અને ગ્રામિણ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મહેસાણા લોકસભાના માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને ઊંઝાના માનનીય વિધાનસભ્ય શ્રી કિરીટકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા. આ અવસરે, ઊંઝા ટર્મિનલ પરથી જીરું, ઈસબગુલ અને અન્ય મસાલા ભરેલી પ્રથમ કન્ટેનર ટ્રેનને મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે હરી ઝંડી આપી રવાના કરવામાં આવી.

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ અમદાવાદ મંડળ માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. ઊંઝા, જેને ‘ભારતની જીરા રાજધાની’ તરીકે ઓળખવામાં આવે છે, મસાલા અને કૃષિ ઉત્પાદનોના વેપાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે અને ગુજરાત અને ભારતની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અત્યાર સુધી આ વિસ્તારમાં માલ પરિવહન મુખ્યત્વે રોડ માર્ગથી થતું હતું.

પરિવહનને વધુ કાર્યક્ષમ, સસ્તું અને ટકાઉ બનાવવા માટે, અમદાવાદ મંડળ અને તેની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) એ રેલવે નેટવર્ક તરફ વેપારને ફેરવવા માટે દ્રઢ પ્રયાસો કર્યા.

આ પગલું માલ પરિવહન ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તનનું પ્રતીક છે. આ પ્રથમ લોડિંગ દરમિયાન 100 કન્ટેનરનું લોડિંગ કરવામાં આવ્યું, જેના પરિણામે રેલવેને ₹9.16 લાખનું રાજસ્વ પ્રાપ્ત થયું, જે આ ટર્મિનલની આર્થિક સફળતાને દર્શાવે છે.

માનનીય મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું કે રેલવે પરિવહન, રોડ માર્ગની તુલનામાં વધુ સુરક્ષિત, ઝડપી અને સસ્તું છે, જ્યાં ટ્રાફિક જામની કોઈ સમસ્યા નથી. એક કન્ટેનર ટ્રેન 100 ટ્રકોના સમકક્ષ માલ લોડ કરવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી ખર્ચમાં ઘટાડો થાય છે અને લોજિસ્ટિક્સ વધુ સુસંગત બને છે. રેલવે દ્વારા ઓછું કાર્બન ઉત્સર્જન થવાને કારણે તે વધુ પર્યાવરણમિત્ર છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જીરું ભારતનું બીજું સૌથી મોટો મસાલો છે અને આ પહેલથી તેનો નિકાસ વધશે. રેલવે દ્વારા લેવાયેલા આ પગલાથી પરિવહનનો સમય ઘટશે, ખર્ચમાં ઘટાડો થશે અને સપ્લાઈ ચેઇન વધુ કાર્યક્ષમ બનશે. ખેડૂતો અને વેપારીઓ તેમની ઉપજને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં ઝડપી પહોંચાડી શકશે. આ સિદ્ધિ ગુજરાત અને ભારતના કૃષિ અને આર્થિક વિકાસ માટે એક મોટું પગલું છે અને રેલવેની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) ના પ્રયત્નો આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં મદદરૂપ થયા છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગીએ આ ઐતિહાસિક સિદ્ધિને સાકાર કરવામાં સહયોગ આપનાર તમામ હિતધારકો, ખાસ કરીને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ, અદાણી લોજિસ્ટિક્સ, ઊંઝાના વેપારીઓ, અમદાવાદ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્મા, રેલવે અધિકારીઓ અને કર્મચારીઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ સિદ્ધિ માલ પરિવહનના એક નવા યુગની શરૂઆત છે, જ્યાં રેલવે ભારતની આર્થિક અને કૃષિ પ્રગતિની પીઠભૂમિ બની રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.