Western Times News

Gujarati News

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે યોજાઇ યુએનએસસીની બેઠક

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બંધ બારણે બેઠક બોલાવવાની માંગ કરી હતી.

જો કે આ બેઠકમાં પાકિસ્તાનને નિરાશા હાથ લાગી તેમજ કોઇ ઔપચારિક ઠરાવ પસાર થયો ન હતો.આ બેઠક પછી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું કે બેઠકમાં જમ્મુ કાશ્મીર મુદ્દાના ઉકેલ પર ચર્ચા કરવામાં આવી હતી.

કાઉન્સિલના ઘણા સભ્યોએ પુનરોચ્ચાર કર્યાે કે આ વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર શાંતિપૂર્ણ રીતે આવવો જોઈએ.ઇફ્તિખારે કહ્યું કે પાકિસ્તાને ૨૩ એપ્રિલના ભારતના એકપક્ષીય પગલાં લશ્કરી પગલાં અને આર્થિક દબાણની વ્યૂહરચના અંગે સંયુક્ત રાષ્ટ્રને પોતાની ચિંતાઓ જણાવી હતી.

પાકિસ્તાને દલીલ કરી હતી કે ભારતના આક્રમક વલણથી માત્ર પ્રાદેશિક સ્થિરતા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ ઉલ્લંઘન થાય છે.ભારતે ૨૩ એપ્રિલના રોજ પાંચ મોટા નિર્ણયો લીધા જેમાંથી એક મહત્વપૂર્ણ નિર્ણય સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો હતો. આ નિર્ણયના પાકિસ્તાન માટે ગંભીર પરિણામો આવી શકે છે.

કારણ કે પાકિસ્તાનની ખેતી અને પાણી પુરવઠાનો મોટો ભાગ આ સંધિ પર નિર્ભર છે. આ નિર્ણય પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે બે વાર વાત કરી અને તેમને ભારતની આ આર્થિક રીતે નુકસાનકારક રણનીતિ બંધ કરવા વિનંતી કરી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.