કેરી સહિત અનેક કઠોળના પાકને કમોસમી વરસાદથી નુકસાન

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક શહેરો-નગરોમાં કમોસમી વરસાદ
(એજન્સી)અમદાવાદ, વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતનું વાતાવરણ ઠંડુગાર જાેવા મળ્યું છે. સવારથી જ કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ત્યારે બપોર બાદ અચાનક ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો.
જેને પગલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત મોટાભાગનાં શહેરોમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ કેટલાંક સ્થળોએ હળવો વરસાદ વરસ્યાનાં અહેવાલો મળી રહ્યા છે.
સમગ્ર જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારે સમી સાંજે જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો છે. ત્યારે વાવ તાલુકામાં એક ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે થરાદમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે વાવ અને થરાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
થરાદમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેટલું જ નહીં, ખેડૂતોના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. પાછોતરા વાવેતર કરેલા ઘઉં, એરંડા, રાયડો સહિત અનેક પાકમાં નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે.
બપોર બાદ પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જાેવા મળ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદ શરૂ થયો છે. ત્યારે પાટણ, વારાહી, રાધનપુર અને સિદ્ધપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો જાેવા મળી રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લામાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ત્યારે ખેડૂતોને કમોસમી વરસાદની ચિંતા થઈ રહી છે. જાે ફરી એકવાર વરસાદ આવશે તો કેરી સહિત અનેક કઠોળના પાકને વ્યાપક નુકસાન પહોંચશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૫ દિવસમાં પડેલા વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલ બેહાલ કરી નાંખ્યા છે.