છોટાઉદેપુર, કચ્છ, મહિસાગરમાં કમોસમી વરસાદની આગાહી
૪૦.૨ ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છવાઇ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગે હિટ વેવ અને ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, પોરબંદર, ગીર-સૌરાષ્ટ્રમાં હિટ વેવ, છોટાઉદેપુર, કચ્છ, મહિસાગર, દાહોદમાં ઝાપટાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બેવડી ઋતુને કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે.
આજે અમદાવાદમાં બપોર બાદ વાદળછાંયુ વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે તાપમાન સામાન્ય ઘટી ૩૭.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ૪૦.૨ ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું.
ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે માર્ચ મહિનાના મધ્ય ભાગમાં જ ગુજરાતીઓને તપતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જો કે, હજુ લઘુતમ તાપમાન ૨૨ ડિગ્રીની આસપાસ રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડી વર્તાઇ રહી છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં હીટવેવ રહેશે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. જોકે, ત્યારબાદ પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે.
આ સાથે હીટવેવની આગાહી આપતા તેમણે જણાવ્યુ કે, આ સાથે તેમણે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવ થવાની પણ આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. બહુ મોટો ઘટાડો થશે
નહીં.