ખેડૂતોને રાતે પાણીએ રડાવતો કમોસમી વરસાદ !
રાજયના અનેક વિસ્તારમાં વરસાદ તથા કરા પડ્યા છે. હવામાનમાં અનેક ફેરફારો આવી રહ્યા છે
હવામાન ખાતું હવે મહદઅંશે સાચું પડે છે. તેની ચાર દિવસની માવઠાંની આગાહી સાચી પડી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું થયું છે. ઉનાળો બેસી ગયો છે અને શુક્રવાર સુધી તો સૂરજદાદા કોપાયમાન થયા હોય એમ દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ રહ્યું હતું એ પહેલાં ફેબ્રુઆરી પણ સૌથી ગરમ મહિનો નોંધાયો હતો. હવે માવઠાને કારણે ખેડૂતો માટે આ વર્ષ ભારી રહેશે એવી આશંકા છે.
બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામં ચાર દિવસ માવઠું થશે એવી આગાહી હવામાન ખાતાએ કરી હતી. આ આગાહી સાચી પડી છે. સોમવારે રાજયના અનેક વિસ્તારમાં વરસાદ તથા કરા પડયા છે. હવામાનમાં અનેક ફેરફાર આવી રહ્યા છે. આ વૈશ્વિક ઘટના પર્યાવરણ સાથે સંકળાયેલી છે. ગ્રીન હાઉસ ઈફેકટને કારણે અનેક ફેરફારો આવી રહ્યા છે. આડેધડ થયેલા ઔદ્યોગિકરણને પગલે પ્રદુષણ વધ્યું છે. વિજ્ઞાનીઓ ચેતવણી આપતા રહ્યા હતા, પરંતુ દુનિયાના શાસકો એ ચેતવણી પ્રતિ ક્યારેય ગંભીર ન હતા અને ગંભીર બન્યા પણ નહી. આજે પણ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન વધારે જ છે. પરંતુ તેનો દુષ્પ્રભાવ હવે જાેવા મળી રહ્યો છે. ધરતીનું તાપમાન વધી રહ્યું છે અને તેને પગલે ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળી રહ્યો છે. બરફ પીગળવાને કારણે અનેક સમસ્યાઓ પેદા થઈ છે અને તેનો સામનો આખી દુનિયા કરી રહી છે. કુદરતી આપત્તિઓ વધી રહી છે, તેનું કારણ પણ એ જ છે તેમજ ઋતુચક્ર પણ પ્રભાવ રહેશે એવી આગાહી થઈ ચુકી છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી રાજયમાં માવઠું બેઠું છે.
રાજયના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ જ નહી કરા પણ પડયા હતા. ચાર દિવસ પહેલા તાપમાનનોપારો સિઝનનો સૌથી ગરમ દિવસ બનાવી ચુકયો હતો, ત્યાંથી સાવ સામા છેડે આખું વાતાવરણ બદલાઈ ગયું છે. ગરમી ઓછી થવા સાથે સાથે વાદળિયું હવામાન રહ્યું છે. વાદળિયું હવામાન અને કમોસમી વરસાદ ખેતીને નુકશાન કરનારૂં છે. આ વર્ષે શિયાળો મોડો રહ્યો અને વધુ ઠંડીના દિવસો ખૂબ જ ઓછા રહ્યા ઠંડી ઓછી રહેવાને કારણે આંબા પર મંજરી મોડી બેઠી. એ ખરું કે આ વર્ષે ધુમ્મસ એક કે બે દિવસ જાેવા મળ્યું તેને કારણે ખેડૂતોને આશા હતી કે કેરીનો બમ્પર પાક થશે પરંતુ હજુ તો બે ત્રણ તબક્કામાં આવેલી મંજરીને કારણે આંબા પર હજુ કણી બેસી રહી છે, એ હાલના વાદળિયા હવામાન અને તે પહેલા પડેલી ભારે ગરમીને કારણે ખરણ વધશે ખરણ વધશે, તેને કારણે કેરીનો પાક ઓછો થવાની આશંકા વધી છે. એ ઉપરાંત ચીકુના પાકને પણ નુકશાન થાય એમ છે. દક્ષિણ ગુજરાતમાં શાકભાજી ઉગાડનારા ખેડૂતો પણ વધુ છે.
વાદળિયા હવામાનને કારણે શાકભાજીમાં જીવાત પડી આવવાની ભીતિ વધી છે. જીવાત વધે એટલે પાક ઓછો ઉતરે અને જીવાત સામે જંતુનાશક દવાનો ખર્ચ પણ વધે એમ છે એટલે ખર્ચ વધે એમ છે હજુ તો કાંદા ઉગાડતા ખેડૂતોને માથે ભાવની મોટી સમસ્યા છે. કાંદાનો એક રૂપિયો પણ માંડ ઉપજે છે, તેને કારણે એક ખેડૂતે તો કાંદાની જ હોળી સળગાવી હતી. એક ખેડૂતને બજારમાં વેચવા જવા માટે ઉપરથી પૈસા ચૂકવવાની નોબત આવી હતી એ સંજાેગોમાં આ માવઠું અનેક ખેડૂતોને રડાવશે એમ લાગ ેછે.
દક્ષિણ ગુજરાતના આ હાલ છે તો સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ખેતીને નુકશાન થશે. ખાસ કરીને એક ઈંચ જેટલો વરસાદ પડવાને કારણે ઘઉં, જીરું, ધાણા અને કપાસના પાકને પણ ભારે નુકશાન થયું છે. એક તરફ ખેતરમાં ઉભો મોલ પણ બગડવાની ભીતિ છે. તો બીજી તરફ તૈયાર માલ માર્કેટમાં રાખ્યો હતો તે પલળી જતાં તેનું પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જામનગર જિલ્લામાં પણ માવઠું થયું હતું તો કાલાવડમાં પવન ફુંકાવા સાથે માવઠું થયું હતું માવઠાને કારણે રવિપાકને નુકશાન થશે.
માવઠાંને કારણે રવીપાકને નુકશાન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે એમ લાગે છે કે માવઠાં પછી પાછું અલનીનો પણ ગરમી વધારશે. ગરમી વધવાને કારણે કેરી અને ચીકુના પાકને પણ નુકશાન થશે. આ સંજાેગોમાં ખેડૂતો માટે આ વર્ષ આર્થિક ચિંતા વધાનારૂ રહેશે એમ લાગે છે. આ વર્ષે ભારત જી-ર૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેમાં જળવાયુ પરિવર્તનનો મુદો પણ ચર્ચામાં રહેશે પરંતુ યુક્રેન મામલે બાજી બગડી રહી છે. ત્યારે જળવાયુ પરિવર્તન અંગે સહમતિ સધાશે એવી આશા બળવત્તર બની છે. જી-ર૦ માં એક બે મુદ્દે તો કોઈ નક્કર પગલાં ભરી શકાય એવા ઉજળા દેખાવની તો જરૂર તમામ દેશોને રહેશે. તેથી યુક્રેન મુદ્દે ભલે સહમતિ ન થાય પણ જળવાયુ પરિવર્તન અંગે કોઈ નક્કર પગલાં ભરવાની દિશામાં આ ધનિક અને ધનિક બનવા જઈ રહેલા દેશો આગળ વધે તો પણ જી-ર૦નું ભારતનું અધ્યક્ષપદ દુનિયાને ફળ્યું કહેવાશે.