અમરેલીમાં કમોસમી વરસાદને કારણે રવીપાકને અસર
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામા આવી હતી જેના ભાગરૂપે ત્યારે અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માટે અપીલ કરવામા આવી હતી.
અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે અમરેલી જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી બાદ ખાંભા તાલુકાના અનેક સ્થળોએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ માવઠાને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.
જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં શિયાળુ પાકનું ભરપૂર વાવેતર કર્યુ છે. આ વર્ષે ભારે વરસાદને કારણે બોર અને કૂવામાં પણ પુષ્કળ પાણી છે જેથી શિયાળુ પાક સારો લઈ શકાશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યાં હતા પરંતુ આ મહિનામાં બીજી વાર અરબી સમુદ્રમાં લો પ્રેશર થવાને કારણે ગુજરાતના અમરેલી સહિત અન્ય જિલ્લાઓમાં મધ્યમ કે હળવો વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના ખેડૂતો છેલ્લાં બે વર્ષથી કુદરતી આફતનો સહન કરી રહ્યાં છે જેમાં આ બે વર્ષ પહેલાના વર્ષે તો તૌકતે વાવાઝોડાએ ખેડૂતોને પડયા પર પાટુ માર્યુ હતું. ખેડૂતો આ આફતમાંથી હજુ બહાર આવ્યા છે ત્યાં ફરી કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે. અમરેલી જિલ્લામાં માવઠાને કારણે શિયાળુ પાકમાં ભારે નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ વર્ષે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.