UPમાં મહિલાની સારવાર માટેનો ઓક્સિજન સિલેન્ડર ફાટતાં છનાં મોત
બે માળના ઘરમાં પરિવારના ૧૯ સભ્યો રહેતા હતા
આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના લોકો સુરક્ષિત
બુલંદશહેર,ઉત્તરપ્રદેશના બુલંદશહરના સિકંદરાબાદ વિસ્તારમાં એક બીમાર મહિલાની સારવાર માટે રાખવામાં આવેલો ઓક્સિજનનો સિલેન્ડર ફાટવાની ઘટનામાં એક જ પરિવારના છ લોકોના કરૂણ મોત થયા છે. તાજેતરમાં હોસ્પિટલમાંથી ૪૫ વર્ષીય રુખસાનાને રજા મળી હતી. રુખસાના, તેના પતિ રિયાજુદ્દીન, તેના ત્રણ બાળકો અને પૌત્રીનો જીવ લેનારી આ ત્રાસદી સોમવારે રાત્રે બની હતી. તેના બે માળના ઘરમાં પરિવારના ૧૯ સભ્યો રહેતા હતા. વિસ્ફોટના કારણે ઘર આંશિક ધરાશાયી થયું છે.મંગળવારે જ્યારે પોસ્ટમોર્ટમ પછી મૃતદેહોને કફન ઓઢાડીને ઘરે પરત લાવવામાં આવ્યા, તો અસંખ્ય લોકો આશાપુરી કોલોનીમાં પીડિત પરિવારના ઘરની બહાર પોતાની સંવેદના વ્યક્ત કરવા એકત્ર થયા હતા, અને કરૂણ આક્રંદમાં વાતાવરણ શોકમય બની ગયું હતું.
બુલંદશહરના જિલ્લા કલેક્ટર ચંદ્રપ્રકાશ સિંહે જણાવ્યું કે, સિકંદરાબાદની આશાપુરી કોલોનીમાં રાત્રે ૮-૩૦થી ૯ કલાકની વચ્ચે સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકો સુરક્ષિત છે.આ વિસ્ફોટમાં રિયાજુદ્દીન(૫૦), તેની પત્ની રુખસાના(૪૫), તેનો પુત્ર આસ મોહમ્મદ(૨૬), સલમાન(૧૬), પુત્રી તમન્ના(૨૪) અને તેમની પૌત્રી હિબ્ઝા(૩)નું મોત નીપજ્યું હતું. તમામની અંતિમ વિધિ મંગળવારે બપોરે કરવામાં આવી હતી. આ પહેલા પોલીસ, ફાયરબ્રિગેડ, વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ નીચે દબાયેલા લોકોના સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ માટે રાહત-બચાવની કામગીરી ત્રણ કલાક ચાલી હતી.ss1