UPમાં વડાપ્રધાન મોદીએ મંચ પરથી જ CDS બિપીન રાવતને આપી શ્રદ્ધાંજલિ
બલરામપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશના બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. હુસુઆડોલ ગામમાં જાહેર સભામાં સંબોધન કરતાં PM મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે જનરલ રાવત જ્યાં હશે ત્યાંથી તેઓ દેશને આગળ વધતો જોશે.
વડાપ્રધાને કહ્યું હતું કે 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ વીર યોદ્ધાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતની ગેરહાજરી દરેક દેશભક્ત અનુભવશે. તેઓ બહાદુર હતા અને તેમણે દેશનાં સશસ્ત્ર દળોને આત્મનિર્ભર બનાવવામાં ભારે મહેનત કરી હતી. દેશ તેનો સાક્ષી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ડોક્ટર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જીવ બચાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. હું મા પાટેશ્વરીને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. દેશ આ દુઃખના સમયમાં તેમના પરિવાર સાથે ઊભો છે. ભારતના લોકોની પ્રાર્થના આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બહાદુર સૈનિકોના પરિવારો સાથે છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત શોકમાં છે, પરંતુ દુઃખમાં હોવા છતાં પણ અમે અમારી ગતિને રોકાવા દઇશું નહીં, અમારા વિકાસને અટકવા દઇશું નહીં. અમે બધા ભારતીયો સાથે મળીને સખત મહેનત કરીશું અને દેશની અંદર તથા બહારના દરેક પડકારનો સામનો કરીશું. અમે ભારતને વધુ શક્તિશાળી અને સમૃદ્ધ બનાવીશું.