UP: શાહજહાપુરમાં જિલ્લા કોર્ટના રેકોર્ડ રુમમાં વકીલની ગોળી મારી હત્યા
શાહજહાપુર, ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં કોર્ટની અંદર એક વકીલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ સદર બજાર સ્થિત ત્રીજા માળે બનેલી ACJM ઓફિસ ગયા હતાં. આરોપીએ વકીલને પીઠ પાછળ ગોળી મારી દીધી. ત્યાર બાદ તે બંદૂક ઘટનાસ્થળે ફેંકીને જ ભાગી ગયો.
સોમવારે આ ઘટના આશરે 11.45 વાગ્યાની છે. 60 વર્ષિય વકીલ ભૂપેન્દ્ર સિંહ કોર્ટના ત્રીજા માળે ACJM ઓફિસ તરફ જઈ રહ્યા હતાં. ત્યારે જ કોઈએ બંદૂકથી તેમના પર ફાયર કરી દીધું. ગોળી માથાના પાછળના ભાગ પર જઈને વાગી. ઘટનાસ્થળે જ તેમનું મોત થયું.
જે સમયે આ ઘટના બની તે સમયે ઓફિસમાં કોઈ પણ હાજર નહોતું, તેથી ઘણા સમય સુધી કોઈને આ બાબતની જાણ નહોતી થઈ. બાદમાં એક ક્લાર્ક ત્યાં પહોંચ્યો, તો ભૂપેન્દ્ર સિંહ જમીન પર સૂતેલા જોવા મળ્યા અને તેમના માથાના ભાગે લોહી નીકળતું હતું. સૂચના મળતા જ એસપી એસ આનંદ, ડીએમ ઈન્દ્ર વિક્રમ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસ હવે કોર્ટના CCTVની તપાસ કરી રહી છે.
કોર્ટ પરિસરમાં બંદૂક સાથે એન્ટ્રી થવા બાબતે કોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા થાય છે. પોલીસે કહ્યું કે CCTV ફુટેજથી સ્પષ્ટ થશે કે કઈ ચૂક ક્યા થઈ છે. તેનાથી એ પણ માલૂમ પડશે કે આરોપી બહારનો હતો કે કોર્ટ પરિસરનો જ હતો. તે કેટલા દિવસથી કોર્ટમાં ફરી રહ્યો હતો, તેની પણ તપાસ ચાલી રહી છે.